ખેલ-જગત
News of Friday, 7th May 2021

શું IPLના બાકીના મેચો ઓસ્ટ્રેલીયા કે ઇંગ્લેન્ડમાં રમાડાશે ?

બંને દેશોની ઓફરઃ યુએઇમાં સપ્ટેમ્બરમાં ખુબ જ ગરમી હોય સ્થળમાં ફેરફાર થવાની શકયતા : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતના ૩૫ ખેલાડીઓની યાદી તૈયારઃ ઇંગ્લેન્ડની સામેની પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ માટેના ખેલાડીઓની પણ પસંદગીઃ ન્યુઝીલેન્ડના પ્લેયરો ભારતથી સિધા જ ઇંગ્લેન્ડ પહોંચશે

નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી મહિને ૧૮મી જૂને ઇંગ્લેન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટેની ભારતીય ટીમની આગામી સપ્તાહે જાહેરાત થાય તેવી સંભાવના છે. ચેતન શર્માના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ ૩૫ ખેલાડીઓની યાદી તૈયાર કરીને બીસીસીઆઇને સુપરત કરી દીધી છે અને તેમાંથી ૨૨ ખેલાડીઓની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવશે. ફાઇનલ રમનાર ટીમ જ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ રમશે. આ ટેસ્ટ શ્રેણીથી કિવિ ખેલાડીઓને ફાઇનલની તૈયારી કરવાની પૂરતી તક મળશે.

ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન અને તેની સાથે મોટા ભાગના કિવિ ખેલાડીઓ હાલમાં ભારત અને તેઓ સંભવિત ૧૧મી મેએ ઇંગ્લેન્ડ રવાના થશે. કોરોનાના કારણે તાજેતરમાં સ્થગિત કરવામાં આઇપીએલની કોઇ અસર ફાઇનલ ઉપર પડશે નહીં અને તે નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે. બ્રિટને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ભારતને રેડ લિસ્ટમાં મૂકી દીધું છે અને બ્રિટન જનારા લોકોને ૧૦ દિવસ ફરજિયાત કવોરન્ટાઇન થવું પડે છે. ભારતીય ખેલાડીઓ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં લંડન રવાના થાય તેવી સંભાવના છે. ફાઇનલ સાઉથમ્પ્ટનના એજિસ બાઉલ ખાતે રમાશે. બોર્ડે સંભવિત ખેલાડીઓ માટે લોજિસ્ટિક અને ટ્રાવેલિંગની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. કોહલીની ટીમને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ઇંગ્લેન્ડ મોકલવામાં આવશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમનાર ન્યૂઝીલેન્ડના ૧૦ ખેલાડીઓ હાલમાં દિલ્હીની એક હોટેલમાં કવોરન્ટાઇન થયેલા છે જેમાં સુકાની કેન વિલિયમ્સન, પેસ બોલર કેયલ જેમીસન તથા સ્પિનર મિચેલ સેન્ટેનરનો પણ સમાવેશ થાય છે. આઇપીએલનો હિસ્સો બનેલા ન્યૂઝીલેન્ડના અન્ય ખેલાડીઓ, સહાયક સ્ટાફ અને કોમેન્ટેટર્સ સાથે પેસ બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ પોતાના વતન રવાના થશે. બોલ્ટ ૨૨મી મેએ કવોરન્ટાઇનમાંથી બહાર આવશે અને એક સપ્તાહ સુધી પોતાના પરિવાર સાથે રમશે.

 કોરોના વાઇરસની મહામારીના કારણે સ્થગિત થયેલો આઇપીએલનો બાકીનો તબક્કો આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં યુએઇમાં રમાય તેવી સંભાવના છે. કોરોનાની સ્થિતિને જોતાં હવે ભારતમાં આઇપીએલ ચાલુ વર્ષે પૂરી થઇ શકે તેમ નથી. યુએઇને અત્યારે સૌથી સલામત વિકલ્પ તરીકે જોવામાં આવે છે જેને બીસીસીઆઇ અને આઇસીસી બંનેએ ટી૨૦ વર્લ્ડ કપના બેકઅપ વેન્યૂ તરીકે તૈયાર રાખ્યું છે. જોકે આઇપીએલની બાકીની મેચો ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં પણ રમાય તેવી સંભાવના છે. ઇંગ્લેન્ડની કેટલીક કાઉન્ટી કલબોએ તેમના દેશના ક્રિકેટ બોર્ડને આઇપીએલની બાકીની મેચોની યજમાની કરવાની ઓફર કરી છે. યુએઇમાં સપ્ટેમ્બર મહિનામાં વધારે ગરમી રહેતી હોવાના કારણે વિદેશી ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રમવાનું વધારે પસંદ કરી શકે છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડનું હવામાન તમામ ખેલાડીઓને અનુકૂળ રહેશે. આ વિકલ્પ બ્રોડકાસ્ટિંગ કંપનીને પણ વધારે પસંદ આવશે કારણ કે પ્રસારણના ટાઇમ પણ ગોઠવી શકાય તેમ છે. આઇપીએલને ઓસ્ટ્રેલિયામાં રમાડવામાં આવે તેવી સંભાવના ઘણી ઓછી છે. ચાલુ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયા અદલાબદલી કરે તો આ દેશમાં આઇપીએલ શક્ય બની શકે છે. 

(12:47 pm IST)