ખેલ-જગત
News of Friday, 7th May 2021

વાહ ધોની વાહ.... જયાં સુધી ટીમના ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ન જાય ત્યાં સુધી હોટલ નહિ છોડે

સીએસકે મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓ માટે ૧૦ સીટર ચાર્ટર ફલાઇટની વ્યવસ્થા

નવી દિલ્હીઃ કોરોના મહામારીના પરિણામે IPLને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અત્યારે મોટાભાગના દેશોએ ભારતથી આવતી તમામ ફ્લાઈટ્સને રદ કરી દીધી હતી. જેથી BCCIએ વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન મારફતે પોતાના વતન મોકલવાનું આયોજન કર્યું છે, તો બીજી બાજુ ભારતીય ખેલાડીઓને બસ દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવે છે. આ દરમિયાન સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું સુપર કેપ્ટન વાળું રૂપ મેદાનની બહાર પણ જોવા મળ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ટીમના અન્ય ખેલાડીઓ સુરક્ષિત ઘરે નહીં પહોંચે ત્યાં સુધી તે પણ હોટલ છોડીને જશે નહીં.

૩૯ વર્ષીય ધોની અત્યારે ચેન્નઈ ટીમ સાથે દિલ્હીની એક હોટલમાં રોકાયા છે. ધોનીની સાથે ફાફ ડુપ્લેસીસ અને ડ્વેન બ્રાવો જેવા અન્ય વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. સીએસકેના મેનેજમેન્ટે ખેલાડીઓને શિફ્ટ કરવા માટે ૧૦ સીટર ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરી છે.

દરમિયાન ઈંગ્લેન્ડના ૧૧માંથી ૮ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા લંડન પહોંચી ગયા છે. જ્યારે અન્ય ૩ ખેલાડીઓ એક-બે દિવસમાં ઘર તરફ પ્રયાણ કરશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના ખેલાડીઓને માલદીવ મોકલ્યા પછી, ત્યાંથી પોતાના વતન રવાના કરાશે.

આ બન્ને દેશોએ ભારતમાંથી આવતી તમામ ફ્લાઈટને રદ કરી દીધી છે. ન્યૂઝિલેન્ડના કેટલાક ખેલાડીઓ ૧૦ મેએ સીધા ઈંગ્લેન્ડ જવા માટે નીકળી જશે. ત્યાં એમને ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે.

(3:21 pm IST)