ખેલ-જગત
News of Wednesday, 8th December 2021

વિજય હઝારે ટ્રોફી :સૌરાષ્ટ્ર ટીમનો ઉત્તર પ્રદેશ સામે 32 રને શાનદાર વિજય

ઓપનર હાર્વિક દેસાઇએ ફિફટી ફટકારી : ચિરાગ જાનીએ 5 વિકેટ ઝડપી

વિજય હજારે ટ્રોફીની શરુઆત સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે જીત સાથે કરી છે. સૌરાષ્ટ્ર ટીમ ના ક્રિકેટ ચાહકોને ટીમે 32 રને જીત સાથે ટુર્નામેન્ટના શ્રીગણેશે આનંદ ભરી દીધો હતો. ગૃપ સીમાં ઉત્તર પ્રદેશ સામે રમતા ટોસ હારીને સૌરાષ્ટ્રની ટીમે હરીફ ટીમની રણનિતીના ભાગરુપે પહેલા બેટીંગ ઇનીંગ રમી હતી. સૌરાષ્ટ્રની ટીમની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ગઇ હતી. પરંતુ ઓપનર હાર્વિક દેસાઇએ એક છેડો સાચવી રાખી અર્ધશતકીય ઇનીંગ વડે પડકાર જનક સ્કોર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ચિરાગ જાનીએ 5 વિકેટ ઝડપી હતી.

પહેલા દાવ લેતા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે 223 રનનુ આસાન લક્ષ્યાંક હરિફ ઉત્તર પ્રદેશની ટીમને આપ્યો હતો. સૌરાષ્ટ્રે 1 રન પર પ્રથમ અને 10 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. સ્નેલ પટેલ (0) અને શેલ્ડન જેક્સન (0) ઝડપ થી વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી વધી ગઇ હતી. ત્યાર બાદ પ્રેરક માંકડ (7) અને અર્પિત વસાવડા (8) પણ કંઇ ખાસ કરી શક્યા નહોતા. પરિણામે 45 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી.જોકે ત્યાર બાદ દેસાઇ (52) અને સમર્થ વ્યાસે (33) ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી ઉગારી હતી.

 

ચિરાગ જાની એ 8 રન નોંધાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ ધર્મેન્દ્રસિંહ જાડેજા (31) તેમજ જયદેવ ઉનડકટે (33) અને ચેતન સાકરિયા (25) એ ટીમના સ્કોરને 200 પ્લસ લઇ જવામાં સફળ ભૂમિકા નિભાવી હતી. જોકે ટીમ 223 રનના સ્કોર પર પહોંચતા જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

હરીફ ટીમની સ્થિતી પણ સૌરાષ્ટ્રના બોલરો સામે ખાસ રહી નહોતી. ઓપનર અલ્માસ શૌકત (51) અને મીડલ ઓર્ડરમાં રિન્કુ સિંહ (65) સિવાય અન્ય બેટ્સમેનો સૌરાષ્ટ્રના બોલરો સામે ટકી શક્યા નહોતા. અક્ષદીપ નાથે (38) મધ્યક્રમમાં થોડો પ્રયાસ કર્યો હતો. આ સિવાય કોઇ બેટ્સમેન બેકી આંકડે પહોંચી શક્યા નહોતા અને ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. એક સમયે ટીમ 3 વિકેટે 100 રનના સ્કોર ને પાર કરી ચૂકતા, બાજી તેના હાથમાં લાગી રહી હતી. પરંતુ શૌકતની વિકેટ હાથ લાગતા બાજી સૌરાષ્ટ્રના હાથમાં આવી ગઇ હતી.

બેટીંગમાં ખાસ મદદ નહી કરી શકનાર ચિરાગ જાનીએ જબરદસ્ત પ્રદર્શન કરતા 5 વિકેટ ઉત્તર પ્રદેશની ટીમની ઝડપી લીધી હતી. તેની આ બોલીંગે જ યુપી ટીમની કમર તોડી દીધી હતી. તેણે પોતાની ટીમના ઓછા સ્કોર છતાં સુરક્ષીત રાખવા સફળ પ્રયાસ કર્યો હતો. જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ચુડાસ્માએ એક એક વિકેટ ઝડપી હતી.

(9:37 pm IST)