ખેલ-જગત
News of Saturday, 12th June 2021

ભારતીય ટીમના ખેલાડીઓ સોમવારથી મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં રહેશે :28 જૂને શ્રીલંકા પ્રવાસે જશે

મુંબઈમાં બે સપ્તાહ સુધી ખેલાડીઓને બાયોબબલમાં ક્વોરન્ટાઈન હેઠળ રખાશે

મુંબઈ :ભારતીય ક્રિકેટની એક ટીમ ઈંગ્લેંડ પ્રવાસે છે તો બીજી ટીમ શ્રીલંકા પ્રવાસ ખેડશે. એક જ સાથે બે ટીમો બે દેશોનો પ્રવાસ ખેડશે. જ્યાં બંને દેશોમાં અલગ અલગ ફોર્મેટની શ્રેણી રમાશે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમના એલાન બાદ હવે ખેલાડીઓ ક્વોરન્ટાઈન હેઠળ પહોંચશે. બે દિવસ બાદ એટલે કે 14 જૂને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ થયેલા તમામ ખેલાડીઓને એકઠા થવા જાણ કરાઈ છે. જ્યાં મુંબઈમાં બે સપ્તાહ સુધી ખેલાડીઓને બાયોબબલમાં ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવશે.

શિખર ધવનની આગેવાનીમાં શ્રીલંકા પ્રવાસ ખેડનારી ભારતીય ટીમમાં નવા ચહેરાઓ પણ સામેલ છે. 20 ખેલાડીઓની પસંદ કરવામાં આવેલી ટીમ સાથે 4 રિઝર્વ ખેલાડીઓ પણ પસંદ કરવામાં આવ્યા છે. તમામ ખેલાડીઓને અને સપોર્ટ સ્ટાફને મુંબઈ પહોંચવા માટે જાણકારી અપાઈ છે. જે મુજબ 14 જૂને ખેલાડી અને સ્ટાફ મુંબઈ પહોંચશે.

મુંબઈ પહોંચતા પહેલા ખેલાડીઓ અને સ્ટાફે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે. આમ કોરોના ટેસ્ટ કર્યા બાદ ખેલાડીઓને બાયોબબલમાં કોરોના પ્રોટોકોલ સાથે પ્રવેશ આપવામાં આવશે. જ્યાં ખેલાડીઓ પર કોરોનાના લક્ષણને લઈ સતત નિરીક્ષણ કરવામાં આવશે. આમ ભારતીય ટીમ 28 જૂને શ્રીલંકાના પ્રવાસ શરુ કરતા પહેલા બે સપ્તાહ ક્વોરન્ટાઈન સમય પસાર કરશે.

ભારતીય ટીમ શ્રીલંકા પહોંચતા જ ત્યાં ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સ મુજબ ખેલાડીઓને પ્રેકટીસ કરવાની છુટ અપાશે. જેમાં ખેલાડીઓને શરુઆતમાં નાના ગૃપમાં પ્રેકટીસ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. ટીમ ઈન્ડીયા 2 જૂલાઈથી 4 જૂલાઈ સુધી નાના સમુહમાં પ્રેકટીસ કરશે. ત્યારબાદ 6 જૂલાઈથી પૂરી ટીમ એક સાથે પ્રેકટીસ કરી શકશે. એટલે કે શ્રેણી પહેલા પૂર્ણ રુપે તૈયારીઓ કરી શકશે.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ દરમ્યાન મર્યાદિત ઓવરોની બે જુદી જુદી શ્રેણી રમશે. 3 વન ડે અને 3 T20 મેચોની શ્રેણી બંને દેશો વચ્ચે રમાશે. 13 જૂલાઈથી શ્રીલંકા અને ભારત વચ્ચે વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. આમ 13, 16 અને 18 જૂલાઈએ વન ડે મેચ રમાશે. જ્યારે 21, 23 અને 25 જૂલાઈએ T20 શ્રેણી રમાશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બંને શ્રેણીની તમામ મેચો કોલંબોમાં પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે

(8:34 pm IST)