ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઇનિંગ રમ્યા પહેલા રિઝવાન હતો ICUમાં દાખલ
નવી દિલ્હી: પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન ગુરુવારે ICC T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચનો હીરો રહ્યો હતો. તેણે 52 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે, આ પ્રયાસ પણ સફળ ન થયો અને પાકિસ્તાનને કાંગારૂઓના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. ઘણાને ખબર ન હતી કે ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં રહેલા રિઝવાનને છાતીમાં ઈન્ફેક્શનના કારણે 9 નવેમ્બરે બે દિવસ માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ હોવા છતાં, તેણે ટીમ માટે ઝડપી રિકવરી કરી અને T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી સેમિફાઇનલ મેચમાં સારો દેખાવ કર્યો. જ્યારે રિઝવાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, ઓપનર જે રીતે રમ્યો છે તે દર્શાવે છે કે તે ટીમ મેન છે.