ખેલ-જગત
News of Wednesday, 14th April 2021

આઇપીએલ ક્રિકેટ મેચમાં દિલ્‍હી કેપિટલ્‍સે પ્રથમ મેચ તો જીતી પરંતુ સ્‍ટાર ફાસ્‍ટ બોલર એનરિક નોતર્જેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 9 એપ્રિલથી શરૂ થઈ ચુકી છે. પરંતુ ટૂર્નામેન્ટની પહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ થવાના સમાચાર સામે આવ્યા હતા. બેંગલુરુનો દેવદત્ત પડિક્કલ, કોલકત્તા નાઇટ રાઇડર્સનો નીતીશ રાણા અને દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં રાણા અને પડિક્કલ ફિટ થઈ ગયા છે. પરંતુ હજુ અક્ષર પટેલ ક્વોરેન્ટાઈન છે. હવે દિલ્હી કેપિટલ્સનો વધુ એક ફાસ્ટ બોલર કોરોના પોઝિટિવ આવ્યો છે. આ માહિતી સૂત્રોએ આપી છે.

એનરિક નોર્ત્જે પોઝિટિવ

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જે કોરોના પોઝિટિવ આવ્યો છે. તે આફ્રિકાથી આવી પોતાના સાત દિવસના આઈસોલેશનમાં હતો. નોર્ત્જે આવ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ હતો. પરંતુ ક્વોરેન્ટાઈન દરમિયાન ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ માટે આ ખુબ મોટો ઝટકો છે.

શું છે બીસીસીઆઈના નિયમ

કોરોના કાળમાં રમાઈ રહેલી આઈપીએલમાં બીસીસીઆઈએ ખાસ નિયમો બનાવ્યા છે. જે પણ કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ આવે તો તેણે 10 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવાનું હોય છે. એટલે નોર્ત્જે આગામી ત્રણ-ચાર મેચમાં હજુ બહાર રહી શકે છે. તેનો રિપોર્ટ નેગેટિવ આવે અને ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો થાય પછી તે ટીમના બાયો બબલમાં જોડાઈ શકે છે.

(4:20 pm IST)