ખેલ-જગત
News of Wednesday, 14th April 2021

વન-ડે રેન્કિંગમાં પાક.નો બાબર આઝમ ટોચના સ્થાને પહોંચ્યો

ભારતીય સુકાનીનું નંબર વનનું બિરુદ છિનવાયું : વિરાટ કોહલી લાંબા સમયથી મોટી ઈનિંગ રમી શક્યો નથી, બાબર સતત સારી ઈનિંગ રમી વનડે રેન્કિંગમાં આગળ

નવી દિલ્હી, તા. ૧૪  : ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી જે અભિમાન સાથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેદાનમાં ઉતરતો હતો તે અભિમાનને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે તોડી નાખ્યું છે. વિરાટ કોહલી આઈસીસી ઓડીઆઈ રેક્નિંગમાં નંબર વન બેટ્સમેન હતો, પરંતુ હવે પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ વનડે ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ બેટ્સમેન બની ગયો છે.

પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમે કેપ્ટન વિરાટ કોહલી પાસે વનડે ક્રિકેટમાં નંબર વનની ખુરશી છીનવી લીધી છે. કેપ્ટન કોહલી છેલ્લા કેટલાક સમયથી મોટી ઈનિંગ રમી શક્યો નથી, જ્યારે બાબર સતત સારી ઈનિંગ રમી આઈસીસી વનડે રેક્નિંગમાં આગળ વધી રહ્યો હતો. સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝમાં આઝમે શાનદાર પ્રદર્શન કરી વનડેમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.

બાબર પોતાના દેશથી આઈસીસી રેક્નિંગમાં સર્વોચ્ચ સ્થાન હાસિલ કરનાર ચોથો ખેલાડી બની ગયો. ૨૬ વર્ષના બાબરે સેન્ચુરિયનમાં આફ્રિકા વિરુદ્ધ સિરીઝની અંતિમ મેચમાં ૮૨ બોલમાં ૯૪ રનની ઈનિંગ રમી જેથી તેને ૧૩ રેટિંગ પોઈન્ટ હાસિલ કરવામાં મદદ મળી અને તે ૮૬૫ પોઈન્ટે પહોંચી ગયો. કોહલી ૧૨૫૮ દિવસ સુધી બેટ્સમેનોના રેક્નિંગમાં ટોપ પર રહ્યો જે સમય ત્રણ વર્ષ કરતા વધુ છે. બાબર પહેલા ઝહીર અબ્બાસ  (૧૯૮૩-૮૪), જાવેદ મિયાંદાદ (૧૯૮૮-૮૯) અને મોહમ્મદ યૂસુફ (૨૦૦૩) એ વનડે આંતરરાષ્ટ્રીયમાં નંબર વન બનવાની સિદ્ધિ મેળવી હતી. 

હાલના સમયમાં બાબર આઝમ ૮૬૫ રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર એક બેટ્સમેન છે, જ્યારે ૮૫૭ પોઈન્ટ સાથે વિરાટ કોહલી બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રોહિત શર્મા છે, જેના ૮૨૫ પોઈન્ટ છે. ચોથા સ્થાને ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર છે. ટેલરના ખાતામાં ૮૦૧ પોઈન્ટ છે. જ્યારે ૭૯૧ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ પાંચમાં સ્થાને છે.

(8:05 pm IST)