ખેલ-જગત
News of Tuesday, 14th June 2022

સિરીઝમાં હારથી બચવા કોઇ પણ ભોગે મેચ જીતવી જ પડશે

બેટીંગ અને બોલીંગમાં બદલાવ જરૂરીઃ સ્‍પીડસટર ઉમરાનને તક મળશે

નવી દિલ્‍હીઃ ઓકટોબર ૨૦૧૫માં એટલે પોણાસાત વર્ષ પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસમાં પહેલી વાર ટી૨૦ સિરીઝ ૨-૦થી જીતી હતી ત્‍યારે ફેફ ડુ પ્‍લેસીની એ ટીમમાં ડેવિડ મિલર તથા કેગિસો રબાડા હતા અને અત્‍યારે  એ બે ખેલાડી વર્તમાન શ્રેણીમાં પણ છે અને આજે તેમના દેશને ભારત સામે બીજી વાર સિરીઝ જીતવાનો  મોકો છે.

ટેમ્‍બા બવુમાના નેતૃત્‍વ હેઠળની ટીમ આજે  વિશાખાપટનમમાં (સાંજે ૭ વાગ્‍યાથી) રમાનારી પાંચ મેચવાળી શ્રેણીની ત્રીજી મેચ પણ જીતી લેશે તો શ્રેણી પર ૩-૦ની વિજયી સરસાઇ મેળવી લેશે. મુખ્‍ય કેપ્‍ટન રોહિત શર્મા અને કાર્યવાહક સુકાની કે.એલ.રાહુલની ગેરહાજરીમાં રિષભ પંત કેપ્‍ટનસીની અત્‍યારે આકરી કસોટી થઇ રહી છે. આજે હારની હેટ-ટ્રિકથી બચવા ખુદ કેપ્‍ટન રષિભ પંત(૨૯ અને ૫ રન) પર તેમ જ (જો ઇલેવનમાં સમાવેશ થાય તો ) ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૨૩ અને ૧ રન) પર પ્રચંડ પ્રેશર રહેશે. પંત ૪૫ ટી૨૦માં માત્ર ત્રણ હાફ સેન્‍ચુરી કરી શકયો છે.  ભારતીય

સ્‍પિનરો યઝુવેન્‍દ્ર ચહલ (બે મેચમાં કુલ ૬ અઁોવરમાં આપ્‍યા ૭૫ રન) અને અક્ષર પટેલ (કુલ પાંચ ઓવરમાં આપ્‍યા ૫૯ રન) પર પણ આજે દબાણ રહેશે. ભારતીય ટીમ સતત ૧૨ ટી૨૦ જીતીને આ સિરીઝમાં રમવા ઊતરી હતી, પણ હવે લાગલગાટ બે પરાજયને પગલે સિરીઝની હારથી બચવાનો સમય આવી ગયો છે.પહેલી મેચમાં ભારત ટીમ નબળી બોલિંગને કારણે અને બીજી મેચમાં નબળી બેટિંગને લીધે હારી હતી. ગુજરાત ટાઇટન્‍સનો ચેમ્‍પિયન કેપ્‍ટન હાર્દિક પંડયા પહેલી મેચમાં આક્રમક મૂડમાં રમ્‍યો હતો, પરંતુ બીજી મેચમાં પેસ આક્રમણ સામે સસ્‍તામાં આઉટ થઇ ગયો હતો.

(4:25 pm IST)