ખેલ-જગત
News of Saturday, 15th May 2021

IPL પહેલાં અનેક ક્રિકેટર્સે રસી મૂકાવા ઈનકાર કર્યો હતો

કોરોનાના લીધે આઈપીએલ-૨૧ સસ્પેન્ડ કરાઈ હતી : ટુર્નામેન્ટ પર બ્રેક બાદ તાજેતરમાં સુકાની કોહલી સહિત સંખ્યાબંધ ભારતીય ખેલાડીઓએ કોરોનાની રસી લીધી

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતમાં કોરોનાનુ સંક્રમણ આઈપીએલ રમી રહેલા ક્રિકેટરો સુધી પહોંચી ગયા બાદ ટુર્નામેન્ટ પર રોક લગાવવાની ફરજ પડી હતી. હજી આઈપીએલની ૫૦ ટકા મેચો રમાવાની બાકી છે અને આ મેચો ક્યાં અને કેવી રીતે રમાશે તેના પર અટકળોનો દોર ચાલુ જ છે.

બીજી તરફ એક અંગ્રેજી અખબારે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, આઈપીએલની ૧૪મી સિઝન શરુ થઈ તે પહેલા ક્રિકેટરોને કોરોનાની રસી મુકવા માટે ઓફર કરાઈ હતી પણ મોટાભાગના ખેલાડીઓએ રસી મુકાવવાનો ઈનકાર કરી દીધો હતો. એ પછી આઈપીએલ શરુ થઈ હતી અને માંડ ૫૦ ટકા મેચો રમાઈ હતી ત્યાં તો આઈપીએલ માટેના બાયોબબલમાં કોરોનાની એન્ટ્રી થતા જ એક પછી એક ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ સંક્રમિત થવા માંડ્યા હતા.

ટુર્નામેન્ટ પર બ્રેક મારવામાં આવ્યા બાદ તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય ખેલાડીઓએ કોરોનાની રસી લીધી છે અને તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. કોહલીએ લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આઈપીએલ પહેલા ક્રિકેટરોને લાગતુ હતુ કે, બાયોબબલમાં કોરોનાથી સુરક્ષિત રહેવાશે પણ કોરોનાએ બાયોબબલને પણ ગણકાર્યુ નહોતુ.

અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, મોટાભાગના ક્રિકેટરો ટુર્નામેન્ટ શરુ થઈ તે પહેલા રસી મુકાવવાના વિરોધમાં હતા.જોકે તેની પાછળ વેક્સીનને લઈને જાગૃતિનો અભાવ પણ કારણભૂત હતો. ખેલાડીઓએ વિચાર્યુ હતુ કે, બાયો બબલ સુરક્ષિત છે અને આ માહોલમાં વેક્સીનની જરુર નહીં પડે. ફ્રેન્ચાઈઝીઓએ પણ પોતાના ખેલાડીઓને વેક્સીન લેવા માટે વધારે ફોર્સ નહોતો કર્યો. જોકે ટુર્નામેન્ટ શરુ થયા બાદ સ્થિતિ બદલાઈ હતી અને ૬ ખેલાડીઓ તેમજ બે કોચ કોરોનાથી સંક્રમિત થયા હતા.સૌથી વધારે અસર કેકેઆરના ખેલાડીઓને થઈ હતી.તેના ચાર ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.જ્યારે ચેન્નાઈના બોલિંગ તેમજ બેટિંગ કોચ તથા દિલ્હીના બે ક્રિકેટરને પણ કોરોના થયો હતો.

(7:42 pm IST)