ખેલ-જગત
News of Wednesday, 15th June 2022

રાહુલ ઇંગ્‍લેન્‍ડ સામેનો ટેસ્‍ટ પણ ગુમાવે તેવી શકયતાઃ મયંકનો ટીમમાં સમાવેશ કરાશે?

ભારતીય ટીમનું પ્રથમ જુથ ૧૬મીએ અને બીજુ જુથ ૨૦મીએ રવાના થશે

નવી દિલ્‍હીઃ રાહુલ હાલમાં એનસીબીમાં રિહેબ કરી રહ્યો છે તે સંપૂર્ણપણે ઇજામાંથી બહાર આવ્‍યો નથી. આવી સ્‍થિતિમાં તે ઇંગ્‍લેન્‍ડ સામે ૧ જુલાઇથી રમાનાર એકમાત્ર ટેસ્‍ટમાંથી બહાર થઇ શકે છે. આ સિવાય તેના માટે વન-ડે અને ટી૨૦ સિરીઝમાં પણ રમવું મુશ્‍કેલ છે.

સૂત્રોએ સંકેત આપ્‍યો છે કે ઇંગ્‍લેન્‍ડ શ્રેણીમાં તેનું રમવું શંકાસ્‍પદ છે. પરંતુ તે સ્‍પષ્‍ટ ન હતુ કે તેણે વ્‍હાઇટ-બોલ સિરીઝને પણ છોડવી પડશે કે કેમ. ભારતીય ટીમનું પ્રથમ જૂથ ૧૬ જૂને ઇંગ્‍લેન્‍ડ માટે રવાના થશે. કોચ રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્‍યર સહિત બીજું જૂથ ૨૦ જૂને જશે. તેઓ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમી રહ્યા છે.

પસંદગી સમિતિ રાહુલનાં સ્‍થાને અન્‍ય ખેલાડીને મોકલશે તેની કોઇ ખાતરી નથી. કારણકે ૧૭ સભ્‍યોની ટીમની જાહેરાત થઇ ચૂકી છે. તેમાં ૩ ઓપનર બેટ્‍સમેન સામેલ છે. રાહુલની ગેરહાજરીમાં કે કેપ્‍ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. પરંતુ જો ટીમ મેનેજમેન્‍ટ તરફથી માંગ થશે તો મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરી શકાય છે. ગયા વર્ષે કોરોનાને કારણે ટેસ્‍ટ શ્રેણી પુરી થઇ શકી ન હતી. ટીમ ઇન્‍ડિયા હાલમાં શ્રેણીમાં ૨-૧ થી આગળ છે.

ભારતીય ટેસ્‍ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્‍ટન), કેએલ રાહુલ (વાઇસ-કેપ્‍ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ એયર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવિન્‍દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્‍મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્‍મદ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રખ્‍યાત કૃષ્‍ણા.

(4:17 pm IST)