ખેલ-જગત
News of Saturday, 19th November 2022

નવી વિચારસરણીનો અભાવ, અમુક ખેલાડીઓ ઉપર જ વિશ્વાસ રાખ્‍યો, પરફેકટ કોમ્‍બીનેશનનો અભાવ

ચેતન શર્મા સહિત પસંદગીકારોની હકાલપટ્ટીના આ છે કારણો : ધવન ૩૭ વર્ષનો છે છતાં કેપ્‍ટન બનાવાયો, રાહુલનું કમબેક ફલોપ સાબિત

નવી દિલ્‍હીઃ ટી૨૦ વર્લ્‍ડકપમાં ટીમ ઇન્‍ડિયાની નિષ્‍ફળતાનો આરોપ સિનિયર રાષ્‍ટ્રીય ટીમની પસંદગી સમિતિ પર નાખવામાં આવ્‍યો છે. બીસીસીઆઇએ ચેતન શર્મા સહિત ચારેય  પસંદગીકારોને બહારનો રસ્‍તો બતાવી દીધો છે. આ નિર્ણય માત્ર ટી-૨૦ વર્લ્‍ડ કપમાં ફલોપ શોના આધારે લેવામાં આવ્‍યો નથી. પરંતુ છેલ્લા એક વર્ષમાં ટીમમાં જે રીતે બદલાવ આવ્‍યો છે અને નવી વિચારસરણીનો અભાવ આ નિર્ણય પાછળનું મુખ્‍ય કારણ માનવામાં આવી રહ્યું છે.

આખા વર્ષમાં ચેતન શર્મા અને તેની પેનલ ટીમ ઇન્‍ડિયાને સ્‍થિર ટીમ આપી શકી નથી. છેલ્લા ૧૨ મહિનામાં કુલ ૮ ખેલાડીઓને કેપ્‍ટનશીપ આપવામાં આવી હતી. ટી-૨૦ વર્લ્‍ડ કપ પહેલા પણ ટીમ કોમ્‍બિનેશનને લઇને સતત પ્રયોગો કરવામાં આવ્‍યા હતા. આવી સ્‍થિતિમાં ભારતીય ટીમ પ્‍લેઇંગ -૧૧નું પરફેકટ કોમ્‍બિનેશન તૈયાર કરી શકી નથી.

મોટી ટુર્નામેન્‍ટમાં આઠ મહિના બાદ તરત જ કેએલ રાહુલને ટીમમાં લાવવા જેવા નિર્ણયો પણ ટીકાનો શિકાર બન્‍યા હતા. કેએલ રાહુલ તેની વાપસી બાદ મોટી મેચોમાં સંપૂર્ણ ફલોપ રહ્યો હતો.

ચેતન અને તેની ટીમે ડોમેસ્‍ટિક ક્રિકેટ અને આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક આપી ન હતી. વર્લ્‍ડકપની ટીમ માટે તેણે અમુક પસંદગીના ખેલાડીઓ પર  જ વિશ્વાસ રાખ્‍યો હતો.

વર્કલોડ મેનેજમેન્‍ટના નામે ખેલાડીઓને વૈકલ્‍પિક બ્રેક આપવાના તેમના નિર્ણયોની પણ સતત ટીકા કરવામાં આવી હતી.

શિખર ધવનને વનડે ટીમની ટીમમાં સતત તક આપવામાં આવી રહી છે વન-ડે ટીમનો કેપ્‍ટન બની રહ્યો છે. તેની ઉંમર ૩૭ વર્ષ છે. આવી સ્‍થિતિમાં તે આગામી વર્લ્‍ડ કપ માટે ભારતીય ટીમમાં હશે કે નહીં તે સ્‍પષ્‍ટ નથી. આવા અનેક મુદ્દાઓ ચેતન શર્મા અને તેમની પેનલના નિર્ણયો પર સવાલો ઉભા કરી રહ્યા હતા.

(3:10 pm IST)