ખેલ-જગત
News of Wednesday, 20th October 2021

રોહિત શર્માને ટી૨૦માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સોંપાશે

ટી૨૦ વર્લ્ડકપ બાદ કોહલી ટીમનું નેતૃત્વ છોડશે : સત્તાવાર આ બાબતે કોઈ જાહેરાત થઈ ન હોવા છતાં બીસીસીઆઈના અધિકારીએ આ વાતને કન્ફર્મ કરી હતી

નવી દિલ્હી , તા.૨૦ :વિરાટ કોહલી સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં ચાલી રહેલ ટી૨૦ વિશ્વકપ બાદ આ ફોર્મેટની કમાન છોડી દેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હજુ તે જણાવ્યું નથી કે વિરાટ બાદ કોણ ટીમ ઈન્ડિયાનો આગામી ટી૨૦ કેપ્ટન બનશે. પરંતુ સૂત્રોએ કહ્યુ કે, કોહલી બાદ રોહિત શર્મા ટી૨૦ ક્રિકેટમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. રોહિત આ સમયે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે અને બીસીસીઆઈના એક અધિકારીએ કન્ફર્મ કરતા કહ્યુ કે, તે ભારતનો આગામી ટી૨૦ કેપ્ટન હશે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યુ- વિશ્વકપ બાદ રોહિત શર્મા ટી૨૦ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન હશે. ટી૨૦ વિશ્વકપ બાદ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. કોહલી ૨૦૧૭માં ટીમ ઈન્ડિયાનો ટી૨૦ કેપ્ટન બન્યો હતો. તેણે ૪૫ ટી૨૦ મેચમાં ટીમની કમાન સંભાળી છે, જેમાં ટીમને ૨૭માં જીત મળી છે અને તેની જીતની ટકાવારી ૬૫.૧૧ રહી છે. કોહલીની આગેવાનીમાં ભારતે ૧૪ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. રોહિત પોતાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી ચુક્યો છે, જ્યારે કોહલીની આગેવાનીમાં આરસીબી એકપણ ટાઈટલ જીતી શકી નથી.

તો રોહિત શર્માએ અત્યાર સુધી ૧૯ ટી૨૦ મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. જેમાં ટીમને ૧૫ મેચમાં જીત તો ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની જીતની ટકાવારી ૭૮.૯૪ રહી છે. આ ૧૯ મેચોમાં રોહિતે ૭૧૨ રન બનાવ્યા છે, જ્યારે તેની એવરેજ ૪૧.૮૮ ની રહી છે. તેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ છે. ટી૨૦ વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાને નવા કોચ પણ મળવાના છે અને રાહુલ દ્રવિડ આ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. દ્રવિડે પહેલા કોચ બનવાનો ઇનકાર કર્યો હતો પરંતુ હવે તે માની ગયા છે.

(8:54 pm IST)