ખેલ-જગત
News of Tuesday, 21st March 2023

વિન્ડીઝના સ્થાનિક ક્રિકેટમાં સુનીલ નારાયણે સાત મેઈડન ઓવરમાં સાત વિકેટ લીધી

આઈપીએલ પહેલા વેસ્ટઈન્ડિઝના ક્રિકેટરની કમાલ ઃ ફ્લાઈટમાં વિલંબને લીધે સુનિલને ભારત આવવાનું ટળતાં તેણે મેચ રમીને તરખાટ મચાવ્યો

દિલ્હી, તા.૨૧ આઈપીએલ ૨૦૨૩ (આઈપીએલ) શરૃ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની ૧૬મી સિઝનની પ્રથમ મેચ ૩૧ માર્ચે રમાશે. તે પહેલા ટીમોએ તૈયારીઓ શરૃ કરી દીધી છે. અનુભવી સ્પિનર સુનીલ નારાયણ ફરી એકવાર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમતા જોવા મળશે. તેણે આ ટીમ સાથે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે કેકેઆર સાથે છે. દરમિયાન, નરેને આઈપીએલ ૨૦૨૩ પહેલા આવી બોલિંગ કરી છે, જેના કારણે તમામ ટીમોનું ટેન્શન વધી ગયું છે.

આઈપીએલ માટે રવાના થતા પહેલા સુનીલ નરેન ત્રિનિદાદમાં એક ક્લબ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. નરેન ટીએન્ડટી ક્રિકેટ બોર્ડ પ્રીમિયરશિપ ડિવિઝન ૧ માં ક્વીન્સ પાર્ક ક્રિકેટ ક્લબ ૧ માટે રમી રહ્યો હતો. તેની ટીમ ક્લાર્ક રોડ યુનાઈટેડ સાથે મેચ રમી રહી હતી. આ મેચમાં નરેને ૭ ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો એટલે કે તેણે ૭ મેડન ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે ૭ બેટ્સમેનોને પણ પેવેલિયન મોકલ્યા હતા. તેની બોલિંગના કારણે ક્લાર્કની ટીમ માત્ર ૭૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સુનીલ નરેન આ મેચમાં રમવાનો નહોતો. તે તેના કેકેઆરના સાથી ખેલાડીઓ સાથે ભારત જવાનો હતો. પરંતુ ફ્લાઇટમાં વિલંબને કારણે તેણે મેચ રમવાનો નિર્ણય કર્યો હતો. તેણે છેલ્લી ત્રણ મેચમાં ૩૧ વિકેટ લીધી છે. તેમાં ૪ વાર બેક ટુ બેક ૫ વિકેટ હોલ પણ લીધા છે.કોલકાતા નાઈટ રાઈડર્સ ૯ વર્ષથી આઈપીએલ ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમે છેલ્લે ૨૦૧૪માં ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં ટૂર્નામેન્ટ જીતી હતી. આ વખતે ટીમને આશા રહેશે કે નરેન એ જ ફોર્મ ચાલુ રાખે. જેથી ટીમ ત્રીજી વખત ટૂર્નામેન્ટ જીતવાનું સપનું પૂરું કરી શકે.

(7:31 pm IST)