ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટ વેચાઈ ગઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૭મીથી ક્રિકેટ શ્રેણી : કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

મેલબોર્ન, તા. ૨૧ : કોરોના વાઇરસની મહામારીની વચ્ચે પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે શ્રેણીનો ૨૭મી નવેમ્બરથી પ્રારંભ થવાનો છે અને ત્યારબાદ ત્રણ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચોની સિરીઝ પણ રમાશે. બંને શ્રેણીની તમામ ટિકિટોનું ચપોચપ વેચાણ થઇ ચૂક્યું છે. કોરોના વાઇરસનો ભય હોવા છતાં માત્ર ૩૦ મિનિટમાં ટિકિટો વેચાઇ ગઇ હતી. શુક્રવારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે બે વન-ડે તથા ત્રણ ટી૨૦ મેચોની ટિકિટોનું ઓનલાઇન વેચાણ કર્યું હતું જે માત્ર ૩૦ મિનિટમાં વેચાઇ ગઇ હતી. પ્રથમ વન-ડેની હજુ ૧૯૦૦ સીટ ખાલી છે અને બાકીની બીજી તથા ત્રીજી વન-ડે ઉપરાંત ત્રણેય ટી૨૦ મેચો માટે સ્ટેડિયમ હાઉસફુલ થઇ ચૂક્યા છે. ડે-નાઇટ ટેસ્ટ માટે ૫૦ ટકા સમર્થકોને એન્ટ્રી અપાશે. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે તથા ટી૨૦ શ્રેણી બાદ ચાર ટેસ્ટ મેચની સિરીઝ પણ રમાવાની છે જેનો પ્રારંભ એડિલેડ ખાતે ૧૭મી ડિસેમ્બરથી રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ દ્વારા થશે. પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન સરકારે ૫૦ ટકા સમર્થકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની મંજૂરી આપી છે.

એડિલેડની ક્ષમતા ૫૪ હજાર સમર્થકોની છે એટલે કે ૨૭ હજાર ક્રિકેટ સમર્થકો પ્રથમ ટેસ્ટનો આનંદ માણી શકશે. ક્રિસમસ વીકના કારણે બોક્સિંગ-ડે ટેસ્ટ માટે ૨૫ હજાર પ્રેક્ષકો માટેની મંજૂર અપાઇ છે. જોકે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ક્ષમતા એક લાખની છે. સમર્થકોના સુરક્ષિત પ્રવેશ માટે વિક્ટોરિયન સરકાર તથા એમસીજી બંને સાથે મળીને સુરક્ષા પ્લાન તૈયાર કરી રહ્યા છે.

(7:48 pm IST)