ખેલ-જગત
News of Thursday, 22nd July 2021

કાલે ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં હોકીના કેપ્ટન મનપ્રિતસિંહ અને બોકસર મેરીકોમ ધ્વજાવાહક બનશે

ઉદ્ઘાટન સમારોહમાં ભારતના માત્ર છ ખેલાડીઓ જ હાજરી આપશેઃ અન્ય પ્લેયરોને માત્ર રમત ઉપર જ ધ્યાન આપવા સૂચના

નવીદિલ્હીઃ કોવિડ-૧૯ ના સંક્રમણને જોતા આવતીકાલે ટોકયો ઓલિમ્પિક રમતના ઉદ્ધાટન સમારોહમાં  ભારતીય ખેલાડીઓની ભાગીદારી ઓછી રાખવામાં આવશે અને દળના માત્ર ૬ અધિકારીઓને જ  ભાગ લેવાની સ્વીકૃતિ મળી છે. ભારતના મિશન ઉપપ્રમુખ પ્રેમ કુમાર વર્માએ જણાવ્યુ કે, જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતામાં ભાગ લેવાનો છે તેમને ઉદ્ધાટન સમારોહમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવે છે.

ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યુ કે, સંક્રમણના જોખમને જોતા વધારે ખેલાડીઓને ઉદ્ઘાટન સમારોહમાં રાખવામાં નહી આવે. આપણે ઓછા ખેલાડીઓને ઉતારવાની કોશિશ કરીશુ. દળના પ્રમુખ અને ઉપપ્રમુખ ખેલાડીઓની સંખ્યા પર નિર્ણય લેશે.અમારો અભિપ્રાય છે કે, મહત્વપૂર્ણ સમયમાં તેમની સુરક્ષા સુનિિ?ત કરવા માટે ઓછામાં ઓછા ખેલાડીઓએ ભાગ લેવો જોઇએ.

રમતમાં ભારતના ૧૨૦ થી વધારે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જ્યારે ભારતીય દળમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ ૨૨૮ સભ્યો સામેલ છે.

જે ખેલાડીઓને પછીના દિવસે પ્રતિયોગિતા છે તેમને સલાહ આપી છે કે, તેઓ સમારોહમાં ભાગ ન લે અને પોતાની રમત પર ધ્યાન આપે. સમારોહ અડધી રાત સુધી ચાલવાનો છે માટે સારૂ રહેશે કે તેઓ પછીના દિવસે થનારી પ્રતિયોગિતા માટે આરામ કરે.

ભારતે ઉદ્ધાટન સમારોહ માટે પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વખત વિશ્વ ચેમ્પિયન મહિલા મુકકેબાજ મેરીકોમને ધ્વજાવાહક બનાવાયા છે. મેરીકોમને પછીના દિવસે રમતમાં ભાગ લેવાનો નથી. પરંતુ મનપ્રીત પછીના દિવસે ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પૂલ એ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરશે.

(11:55 am IST)