ખેલ-જગત
News of Thursday, 22nd July 2021

૪.૪ % વસ્તીવાળા પંજાબ-હરીયાણાના ૪૦ % ખેલાડીઓ ઓલમ્પીક ટીમમાં !

નવી દિલ્હી, તા., ૨૨: ભારતની કુલ વસ્તીમાં હરીયાણા અને પંજાબની હિસ્સેદારી ૪.૪ ટકા જેટલી છે પરંતુ આ વખતે પણ ઓલમ્પીક ખેલોમાં બંન્ને રાજયોના ખેલાડીઓનો દબદબો યથાવત છે. ટોકયો ઓલમ્પીકમાં ભાગ લઇ રહેલા ભારતના ૧ર૭ સભ્યોમાંથી ૪૦ ટકા સભ્યો હરીયાણા અને પંજાબના છે. એકલા હરીયાણાએ જ રપ ટકા ખેલાડીઓ મોકલ્યા છે. હરીયાણામાંથી ૩૧ એથ્લીટ જયારે પંજાબમાંથી ૧૯ રમતવીરો ટોકયો ઓલમ્પીકમાં પોતાનું પ્રદર્શન બતાવવા મેદાને પડયા છે.

કેરલ અને યુપીના ૮-૮ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ બંન્ને રાજયો પહેલા તામીલનાડુનો નંબર આવે છે. જેણે ૧૧ ખેલાડીઓ ટોકયો મોકલ્યા છે. ઓલમ્પીકમાં ભાગ લઇ રહેલા અગ્રીમ પ રાજયોમાં કેરળ અને યુપીનો સમાવેશ થાય છે. ઉતર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજય છે. જયાં ભારતની લગભગ ૧૭ ટકા વસ્તી રહે છે.

હોકી, કુસ્તી અને બોકસીંગ તો હરીયાણા -પંજાબના ગઢ સમાન છે. ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ ૧૯ ખેલાડીઓમાંથી ૯ ખેલાડી હરીયાણાના છે. જયારે ૭ પહેલવાન (૪ મહિલા, ૩ પુરૂષ), ૪ બોકસીંગ (૩ પુરૂષ, એક મહિલા) ૪ નિશાનેબાજ (બે મહિલા-બે પુરૂષ) પદક મેળવવા મેદાને પડયા છે.

જયારે ભારતની ૧૯ સભ્યોવાળી પુરૂષ હોકી ટીમમાં ૧૧ ખેલાડી પંજાબના છે. આ ઉપરાંત આ નાના રાજયમાંથી નિશાનેબાજીમાં-ર, એથ્લેટીકસમાં ૩, મહિલા હોકી ટીમમાં-ર અને બોકસીંગમાં -૧ ખેલાડી ઓલમ્પીકમાં ભાગ લઇ રહયા છે.

(2:51 pm IST)