ખેલ-જગત
News of Sunday, 24th January 2021

શ્રીલંકાની સામે સદી ફટકારી જો રુટે નવો રેકોર્ડ બનાવ્યો

વિદેશી કેપ્ટન તરીકે શ્રીલંકામાં સૌથી વધુ સદી ફટકારી : રૂટે ટેસ્ટ કેપ્ટન તરીકે શ્રીલંકામાં પોતાની ત્રીજી સદી કરી વિરાટ, તેંડુલકર તથા સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડ્યા

નવી દિલ્હી, તા. ૨૪ : ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં છે. તે આગળ આવીને ટીમને લીડ કરી રહ્યો છે અને બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે સદી ફટકારી દીધી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી અને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારવાની સાથે તેણે પોતાના ટેસ્ટ કરિયરની ૧૯મી સદી પૂરી કરી હતી.

જો રૂટે આ સદીની મદદથી એક કમાલનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે વિદેશી કેપ્ટન તરીકે શ્રીલંકામાં સૌથી વધુ સદી ફટકારી છે. જો રૂટે ટેસ્ટ કેપ્ટન તરીકે શ્રીલંકામાં પોતાની ત્રીજી સદી ફટકારી અને વિરાટ કોહલી, સચિન તેંડુલકર તથા સ્ટીફન ફ્લેમિંગને પાછળ છોડી દીધા છે. વિરાટ, સચિન અને ફ્લેમિંગે કેપ્ટન તરીકે શ્રીલંકામાં બે-બે ટેસ્ટ સદી ફટકારી છે. હવે રૂટે ત્રણેયને પાછળ છોડી નવો રેકોર્ડ બનાવી લીધો છે.

જો રૂટે પોતાની આ ઈનિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૧૫,૦૦૦ રન પણ પૂરા કરી લીધા છે. જો રૂટે પોતાની પ્રથમ ઈનિંગમાં ૧૩૯ બોલનો સામનો કરતા સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન ૧૪ ચોગ્ગા ફટકાર્યા હતા. ફેબ ફોરની વાત કરીએ તો પોતાના ઘરની બહાર વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી સૌથી ઉપર છે. વિરાટે વિદેશમાં કુલ ૧૪ સદી ફટકારી છે, તો સ્મિથ ૧૩ સદી સાથે બીજા સ્થાને છે. ૧૧ સદીની સાથે કેન વિલિયમસન ત્રીજા અને ૮ સદી સાથે રૂટ ચોથા સ્થાને છે.

જો રૂટે પોતાના ટેસ્ટ કરિયરની ૯૯મી ટેસ્ટ મેચમાં સદી ફટકારી અને તેની પહેલા ટેસ્ટ કેરિયરની ૯૯મી મેચમાં સદી ફટકારનાર ખેલાડી તેંડુલકર, લારા, ગાંગુલી તથા ગાવસકર છે. ઈંગ્લેન્ડ તરફથી પોતાના ટેસ્ટ કરિયરની ૯૯મી મેચમાં સૌથી વધુ સ્કોર કેવિન પીટરસનનો હતો, તેણે ૬૨ રન બનાવ્યા હતા.

(10:10 pm IST)