ખેલ-જગત
News of Saturday, 4th June 2022

ISSF વર્લ્ડકપ :અંજૂમ મોદગીલે રાઈફલમાં જીત્યો સિલ્વર મેડલ: ભારતીય ટીમ ત્રીજા સ્થાને પહોંચી

ભારતીય ટીમ પાસે હવે ટુર્નામેન્ટમાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ: કોરિયા અને સર્બિયા પછી ત્રીજા સ્થાને

ભારતીય શૂટર અંજુમ મૌદગીલે અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં સિલ્વર મેડલ જીત્યો અને ભારતને મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને પહોંચ્યુ છે. અંજુમ ગોલ્ડ મેડલ માટેની મેચમાં ડેનમાર્કની રિક્કે મેંગ ઈબ્સેન સામે 12-16 થી હારી ગઈ હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા અંજુમ મોદગીલે ગુરુવારે 600 શૂટર્સમાંથી 587 સ્કોર સાથે ચોથા સ્થાને રહીને ટોચના આઠ રેન્કિંગ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું.

લાયકાતના બીજા તબક્કામાં, તેણી 406.5 ના સ્કોર સાથે ઈબ્સેન (411.4) પાછળ બીજા સ્થાને રહી. ત્યારબાદ અંજુમે ફાઈનલમાં આ પ્રતિસ્પર્ધીને સખત પડકાર આપ્યો હતો, પરંતુ તે ડેનમાર્કના આ ખેલાડીને પાર કરી શકી નહોતી. વર્લ્ડ કપમાં અંજુમનો આ બીજો વ્યક્તિગત સિલ્વર મેડલ છે.

સ્વપ્નિલ, દીપક કુમાર અને ગોલ્ડી ગુર્જરની પુરુષ ભારતીય ટીમે 3p ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય ટીમ ત્રણેય શુટરો ક્વોલિફાઈંગના બે તબક્કામાં આકર્ષક પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચ્યા હતા. પરંતુ ક્રોએશિયા સામે 7-17થી હાર થઈ હતી. આ ઈવેન્ટમાં યુક્રેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય પાસે હવે ટુર્નામેન્ટમાં એક સુવર્ણ અને ત્રણ સિલ્વર મેડલ છે અને તે કોરિયા અને સર્બિયા પછી ત્રીજા સ્થાને છે. મહિલા સ્પર્ધામાં ભારત નજીકના અંતરથી બે મેડલથી ચુકી ગયું હતું. 585ના સ્કોર સાથે 16મું સ્થાન મેળવનારી આયુષી પોદ્દાર ટોપ આઠમાં એક પોઈન્ટ મેળવવાથી ચૂકી ગઈ હતી. આ ઈવેન્ટમાં આશી ચોક્સીએ 584ના સ્કોર સાથે 20મું સ્થાન મેળવ્યું હતું.

અંજુમ અને આયુષીની મહિલા 3P ટીમે 1316ના કુલ સ્કોર સાથે તેમનો પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડ જીતીને બીજા તબક્કામાં પ્રવેશ કર્યો. આ ભારતીય ટીમ 867ના સ્કોર સાથે રેન્કિંગ સ્ટેજમાં છઠ્ઠા સ્થાને રહીને મેડલથી ચુકી ગઈ હતી. ભારતના સ્વપ્નિલ કુસલે બુધવારે અઝરબૈજાનના બાકુમાં ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન) રાઇફલ/પિસ્તોલ/શોટગન વર્લ્ડ કપની પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય થયો હતો. યુવા ભારતીય શૂટરે નીલિંગ પોઝીશનમાં 200માંથી 199ના સ્કોર સાથે શરૂઆત કરી અને પછી પ્રોન પોઝિશનમાં 198નો સ્કોર કર્યો. સ્વપ્નિલ સ્ટેન્ડિંગ પોઝિશનમાં 194માંથી કુલ 591 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં 53 શૂટર્સમાં બીજા ક્રમે રહ્યો હતો.

 

(10:12 pm IST)