ખેલ-જગત
News of Tuesday, 24th November 2020

ટીમ ઇન્ડિયાની નવી જર્સી જાહેર :MPLએ નાઇકીની જગ્યા લીધી : શિખર ધવને ટ્વીટર પર તસ્વીર શેર કરી

ટીમ ઇન્ડિયાના ડ્રેસનો રંગ બદલાઇ ગયો: ધવને લખ્યું કે નવી જર્સી, નવો ઉત્સાહ, અમે તૈયાર છીએ…

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે સિડની પહોંચી ચુકી છે.આ વખતે ટીમ નવી જર્સીમાં રમતી જોવા આવશે. હકીકતમાં ટીમ ઇન્ડિયાના ડ્રેસનો રંગ બદલાઇ ગયો છે. વનડે સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને નવી જર્સી મળી ગઇ છે. ટીમના ઓપનર શિખર ધવને ટ્વીટર પર નવી જર્સી સાથે તસવીર શેર કરી છે. તેણે લખ્યું કે નવી જર્સી, નવો ઉત્સાહ, અમે તૈયાર છીએ…

આ જર્સી નવી હોય પરંતુ આ એકદમ 80ના દાયકા દરમિયાનવાળી ટીમ ઇન્ડિયાના ડ્રેસ સાથે મળી આવે છે. 1992 વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયા આ પ્રકારની જર્સીમાં દેખાઈ હતી. જર્સીનો કલર બ્લૂ છે અનેં ખભા પાસે પર્પલ, લીલા, લાલ અને સફેદ રંગના શેડ્સ છે

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાનો નવો કિટ સ્પોન્સર ઓનલાઇન ગેમિંગ કંપની MPL છે, જર્સી પર પણ ટોપ પર MPLનો લોગો છે. અગાઉ ટીમ ઇન્ડિયાની કિટ સ્પોન્સર નાઇકી હતી. નાઇકી સાથે બીસીસીઆઈનો પાંચ વર્ષનો કરાર હતો. જ્યારે MPL સાથે ત્રણ વર્ષનો કરાર થયો છે.

બીસીસીઆઈના નિવેદન મુજબ,MPL સ્પોર્ટ્સ સાથે નવેમ્બર 2020થી લઇ ડિસેમ્બર 2023 સુધી ત્રણ વર્ષનો કરાર થયો છે. બીસીસીઆઈ સાથે MPLનો કરાર ભારત-ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2020-2021થી શરૂ થાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં જૂલાઈ મહિનામાં જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓનલાઇન શિક્ષણ આપતી કંપની બાયજૂસને ટીમનો મુખ્ય સ્પોન્સર બનાવ્યો હતો. બાયજૂસે ભારતીય ટીમની જર્સી પર મોબાઇલ કંપની ઓપ્પોની જગ્યા લીધી હતી. બાયજૂસ પાંચ સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ભારતીય ટીમનો સત્તાવાર સ્પોન્સર રહેશે.

(10:23 pm IST)