ખેલ-જગત
News of Saturday, 25th June 2022

કેન્‍યાની ક્રિકેટ ટીમમાં ત્રણ પટેલ

રાકેશ પટેલ,રુશબ પટેલ અને વ્રજ પટેલે કેન્‍યાને છેલ્લી ત્રણમાંથી બે મેચ જિતાડી આપી

કેન્‍યાએ ૨૦૦૩ના વન-ડે વર્લ્‍ડ કપમાં સનસનાટી મચાવી દીધી હતી. એમાં એ સેમી ફાઇનલમાં પહોંચ્‍યું હતું અને ભારત સામે હારી ગયું ત્‍યાં સુધી તો સંદીપ પાટીલના અસરદાર કોચિંગમાં તેમ જ સ્‍ટીવ ટિકોલોની કેપ્‍ટન્‍સીમાં સ્‍ટ્રોન્‍ગ બનેલી કેન્‍યાની ટીમ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઇ ગઇ હતી. ૨૦૦૩ની કેન્‍યાની એ વર્લ્‍ડ કપ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ (રવિન્‍દુ શાહ,હિતેશ મોદી) મહત્‍વના ખેલાડીઓ હતા અને ત્‍યાર પછી ૨૦૦૬ની સાલ સુધીમાં કેન્‍યાની ટીમને પટેલ અટકવાળા ત્રણ ખેલાડી (બ્રિજલ પટેલ, મલ્‍હાર પટેલ, કલ્‍પેશ પટેલ) મળ્‍યા હતા. પટેલ અટકવાળા એ ત્રણ પ્‍લેયર એકસાથે બહુ ઓછી મેચોમાં રમ્‍યા હશે, પરંતુ હાલમાં ત્રણ ‘પટેલ' પ્‍લેયર્સ એકસાથે ઘણી મેચમાં રમતા જોવા મળી રહ્યા છે.

 હાલની કેન્‍યન ટીમમાં બીજા બે ભારતીય મૂળના ખેલાડીઓ (સચીન રમણીકલાલ ભુદિયા, સુખદીપ સિંહ) તો છે જ, પટેલ અટકવાળા ત્રણ ખેલાડીઓ કેન્‍યાની છેલ્લી સી ડબ્‍લ્‍યુસી ચેલેન્‍જ લીગમાં સાથે રમી રહ્યા છે. એમાં કેપ્‍ટન રાકેષ રાજેન્‍દ્ર પટેલ, રુષબ નિપુણ પટેલ અને વ્રજ પટેલ  સામેલ છે.૩૨ વર્ષનો રાકેપ પટેલ અનુભવી રાઇટ-હેન્‍ડ બેટર અને ઓફ-સ્‍પિનર છે, ૨૮ વર્ષનો રુષબ પટેલ લેફટ-હેન્‍ડ બેટર અને પેસ બોલર છે, જયારે ૨૦ વર્ષનો વ્રજ પટેલ રાઇટ-હેન્‍ડ બેટર અને લેફટ-આર્મ સ્‍પિનર છે. આ ત્રણ પટેલ પ્‍લેયર્સ કેન્‍યાને આ વર્ષમાં નાના દેશો સામેની ત્રણમાંથી બે મેચ જિતાડી આપી છે.

(4:25 pm IST)