ખેલ-જગત
News of Friday, 26th February 2021

બંને ટીમોના બેટસમેનોઍ સારી કોશિષ ન કરીઃ પીચ તો બરાબર હતીઃ અમદાવાદ ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીનું નિવેદન

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એ પિંક બોલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 10 વિકેટથી જીત નોંધાવ્યા બાદ ટર્નિંગ પિચનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે 2 દિવસમાં મેચ ખતમ થવા બદલ પિચ જવાબદાર નહતી પરંતુ બંને ટીમોના બેટ્સમેનનું પ્રદર્શન ખરાબ હતું.

વિરાટ કોહલીએ કહ્યું કે પિચમાં કોઈ ખરાબી નહતી. ઓછામાં ઓછું પહેલી ઈનિંગમાં તો એવું નહતું અને ફક્ત બોલ જ ટર્ન કરી રહ્યો હતો. જ્યારે અનેક પૂર્વ ક્રિકેટર્સ જેમ કે માઈકલ વોન, હરભજન સિંહે કહ્યું કે પિચ આદર્શ નહતી.

ભારતીય કેપ્ટને પિચનો બચાવ કરતા કહ્યું કે 'ઈમાનદારીથી કહું તો મને નથી લાગતું કે બેટિંગનું સ્તર સારું હતું. અમારો સ્કોર એક સમયે 3 વિકેટ પર 100 રન હતો અને અમે 150 રનથી ઓછા સ્કોર પર આઉટ થઈ ગયા. ફક્ત બોલ જ ટર્ન લઈ રહ્યો હતો અને પહેલી ઈનિંગમાં તે બેટિંગ માટે સારી વિકેટ હતી.'

કોહલીએ કહ્યું કે બંને ટીમોના બેટ્સમેને સારી કોશિશ કરી નહી. ફક્ત રોહિત શર્મા અને ઈંગ્લેન્ડના જેક ક્રાઉલી જ સરળતાથી બેટિંગ કરી શક્યા. તેમણે કહ્યું કે 'આ અજીબ હતું કે 30માંથી 21 વિકેટ સ્ટ્રેટ બોલ પર પડી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ડિફેન્સ પર ભરોસો દેખાડવાનો હોય છે. તે મુજબ ન રમવાથી બેટ્સમેન જલદી આઉટ થયા.'

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ આ સજ્જડ હાર માટે કોઈ બહાનું બનાવવાના મૂડમાં નહતા. તેમણે કહ્યું કે મહેમાન ટીમ ટોસ જીતીને બેટિંગ કરવાના નિર્ણય બાદ પહેલી ઈનિંગમાં સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. તેમણે કહ્યું કે અમારો સ્કોર બે વિકેટ પર 70 રન હતો. પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. આ વિકેટ પર 250 રનનો સ્કોર ઘણો સારો રહી શકત.

જો રૂટે વધુમાં કહ્યું કે આ હાર બાદ અમે સારી ટીમ તરીકે વાપસી કરીશું. પિચને દોષ આપવાની જગ્યાએ રૂટે કહ્યું કે ભારતની ઉત્કૃષ્ટ બોલિંગે અંતર પેદા કર્યું. તેમણે કહ્યું કે બોલ પર પ્લાસ્ટિકની પરતથી વિકેટ પર તેજી મળી. તે બોલિંગનું ઉત્કૃષ્ટ સ્તર પણ હતું. બંને ટીમો આ વિકેટ પર ઝઝૂમી રહી હતી. જો રૂટનું માનવું છે કે મોટેરાની પિચ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય હતી કે નહીં તે નિર્ણય કરવો ખેલાડીઓનું કામ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નું કામ છે. તેમણે કહ્યું કે આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે અનુકૂળ પિચને લઈને વિચાર કરવો જોઈએ.

ભારતનો 10 વિકેટે વિજય

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવી 4 મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. મહેમાન ટીમે આપેલા 49 રનના લક્ષ્યને ભારતીય ટીમે આઠમી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં જ 4 માર્ચથી રમાશે.

(5:28 pm IST)