ખેલ-જગત
News of Saturday, 27th February 2021

વનડે સિરીઝ માટે BCCI નો મોટો નિર્ણય : દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં અપાઈ

બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં 50 ટકા દર્શકોને મેદાનમાં પ્રવેશ અપાયો હતો

મુંબઈ : 23 માર્ચનાં રોજ પુણેમાં રમાનાર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વન-ડે મેચ અંગે બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે તે મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં નહી આવે.જોકે હાલ પર્યત એ નક્કી નથી કરવામાં આવ્યું કે ત્રીજી મેચને મુંબઈમાં શિફ્ટ કરાશે કે નહીં. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં 50 ટકા દર્શકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

4 ટેસ્ટ, 5 ટી-20 અને 3 વન-ડે મેચોની સિરીઝ માટે હાલ ઈંગેન્ડની ટીમ ભારત પ્રવાસે છે અને તેમાંથી 3 ટેસ્ટ રમાઈ ચૂકી છે. પેહલી ટેસ્ટ ચેન્નાઈ ખાતે રમાડવામાં આવી હતી જેમાં ભારતની હાર થઈ હતી. જે મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો નહતો. પણ બીજી ટેસ્ટ માટે 50 ટકા દર્શકોને પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

એક માહિતી મુજબ કોરોનાની સ્થિતિને જોતા વનડે મેચો માટે દર્શકોનો પ્રવેશ નિશેધ કરવામાં આવ્યો છે. પણ બધી મેચો પૂણેમાંજ રમાશે કે છેલ્લી મેચ મુંબઈ શિફ્ટ કરાશે તે અંગે નિર્ણય કરવાનો બાકી છે. હાલ ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમાવવાની બાકી છે અને ભારતે હાલ ચાર ટેસ્ટની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20નાં પાંચ મુકાબલા રમાશે. જે બધી મેચો અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. હવે જોવાનું એ રહ્યું કે ટી-20 મુકાબલામાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે કે નહીં. કેમકે દેશભરમાં કોરોનાનો કહેર ફરી વકર્યો છે.

(11:44 pm IST)