ખેલ-જગત
News of Thursday, 27th August 2020

IPL 2020 પહેલા ડ્વેન બ્રાવોએ રચ્યો ઇતિહાસ : T-20માં ૫૦૦ વિકેટ લેનારો બન્યો વિશ્વનો પ્રથમ બોલર

જમૈકા તા. ૨૭ : વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ટી-૨૦ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી-૨૦માં ૫૦૦ વિકેટ લેનારો તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. બુધવારે ત્રિનિદાદમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં રાહકીમ કોર્નવાલને આઉટ કરવાની સાથે જ બ્રાવો ૫૦૦ વિકેટના માઇલસ્ટોન સુધી પહોંચી ગયો હતો.

બ્રાવો ત્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી આ મેચમાં સેંટ લૂસિયા જુકસ તરફથી રમતો હતો. બ્રાવોએ મેચની ચોથી ઓવરમાં રાહકીમ કોર્નવાલને આઉટ કરવાની સાથે જ આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. ડ્વેન બ્રાવાએ તેની ૪૫૯મી મેચમાં આ કારનામું કર્યુ હતું. ૫૦૦ વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરવામાં બ્રાવોની આંતરરાષ્ટ્રીય અને કલબ મેચ પણ સામેલ છે. બ્રાવોએ ૮.૨૫ની ઈકોનોમાથી કરિયરમાં બોલિંગ કરી છે અને ૧૧ વખત ૪ કે તેથી વધુ વિકેટ એક મેચમાં હાંસલ કરી છે. લસિથ મલિંગા ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાના લિસ્ટમાં ૩૮૯ વિકેટ સાથે બીજા ક્રમે છે. જયારે ત્રીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝનો સ્પીનર સુનીલ નરેન છે.

વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર બ્રાવો આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. કેરેબિયન પ્રીમિયર લીગ ખતમ થયા બાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દુબઈ પહોંચીને સીએસકે સાથે જોડાશે.

(9:51 am IST)