ખેલ-જગત
News of Saturday, 28th May 2022

રાજસ્થાન સંજૂ સેમશનના નેતૃત્વમાં વોર્નની સિધ્ધિનું પુનરાવર્તન કરી શકશે?

પ્રથમ આઈપીએલમાં રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું : પ્રથમ જ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સ હોમ ગ્રાઉન્ડ પર કમાલ કરી શકશે કે કેમ એ હવે જોવું રહ્યું

અમદાવાદ, તા.૨૮: આઈપીએલ ૨૦૨૨ રાજસ્થાન રોયલ્ ૨૦૦૮ની પહેલી પહેલી સીઝનમાં શેન વોર્નની આગેવાનીમાં ચેમ્પિયન બન્યા બાદ શું આ વખતે રાજસ્થાન તેમના પૂર્વ કેપ્ટનને ફરી એકવાર ચેમ્પ્યિન બનીને શ્રદ્ધાંજલિ આપી શકશે? કે પછી ગુજરાત ટાઈટન્સ હોમ ગ્રાઉન્ડ પર કમાલ કરી શકશે? આ સવાલનો જવાબ ૨૯મીએ મળી જશે. બન્ને ટીમો પોતાને ચેમ્પિયન બનાવવા માટે કેટલી મહેનત કરી રહી છે તે આ સિઝનમાં જોવા મળ્યું છે. આજની રાજસ્થાન સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર થતા તેમનું ચેમ્પિયન બનવાનું સપનું ફરી એકવાર તૂટી ગયું છે.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટના મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ફાઈનલમાં ટક્કર થશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં રમતી ગુજરાતની ટીમ ભલે નવી હોય પણ તેણે આ સિઝનમાં જબરજસ્ત તરખાટ મચાવ્યો છે. ગુજરાતે ક્વોલિફાયર ૧માં રાજસ્થાનને જ હરાવીને પોતાનું સ્થાન ફાઈનલમાં નિશ્ચિત કરી લીધું હતું. હવે આ બન્ને ટીમો ફરી એકવાર આઈપીએલ ૨૦૨૨ની ચેમ્પિન બનવા માટે ટકરાશે.

બેંગ્લોરના બોલરો સામે સૌથી મોટો પડકાર જોશ બટલરના બેટને રોકવાનો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં અને બટલે સિઝનની ચોથી સદી ફટકારી દીધી હતી. ૧૮મી ઓવરમાં પોતાની સેન્ચ્યુરી પૂરી કરવાની સાથે બટલરે ૧૦૧૬ના વિરાટ કોહલીના એક સિઝનમાં ચાર સેન્ચ્યુરીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બટલરે પાછલી મેચોમાં ધીમી શરુઆત કર્યા પછી અંતિમ ઓવરોમાં તરખાટ મચાવ્યો હતો.

આરઆર વિ. આરસીબી ની ક્વોલિફાયર ૨ મેચ ભારે રસાકસીભરી રહી હતી. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. બેંગલોરની ખરાબ શરૃઆત થઈ હતી. જેમાં ઓપનિંગમાં આવેલો કોહલી માત્ર ૭ રન બનાવી પરત ફર્યો હતો. જો કે, આજે પણ રજત પાટીદારે વિસ્ફોટક ઈનિંગ્સ રમતાં ૫૮ રન બનાવ્યા હતા. જેની મદદથી ૨૦ ઓવરના અંતે બેંગલોરની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવ્યા હતા. રાજસ્થાનના બોલર્સ તરફથી આજે શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. રાજસ્થાન તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઓબેડ મેક્કોયે ૩-૩ વિકેટ ઝડપી હતી. ૧૫૮ રનોનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે ઓપનર જોસ બટલરે શાનદાર શરૃઆત અપાવી હતી. જોસ બટલરે આઈપીએલ ૨૦૨૨ની સિઝનની ચોથી સદી ફટકારી હતી. અને બટલરે સિક્સ ફટકારી રાજસ્થાનને શાનદાર જીત અપાવી હતી. ૧૮.૧ ઓવરના અંતે રાજસ્થાને ૩ વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવી બેંગલોર સામે શાનદાર જીત હાંસલ કરી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ગુજરાતની ટીમ સામે ફાઈનલમાં ટક્કર થશે.

(7:42 pm IST)