ખેલ-જગત
News of Wednesday, 28th July 2021

વિનેશ ફોગાટ ટોકયો પહોંચવામાં મોડી પડીઃ વિઝા પૂરા થઈ જતાં મુશ્કેલી સર્જાઈ

જો કે ભારતીય ઓલિમ્પિક સંઘે ત્વરીત પગલા લીધાઃ ફોગાટ આજે ટોકયો પહોંચી જશે

નવીદિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ભારત માટે અત્યાર સુધી પરીણામો સારા નથી રહ્યા. રહી વાત કુશ્તીની તો તેની ટકકર શરૂ થવાની બાકી છે. આવામાં તમામ પહેલવાનો હજુ સુધી ટોક્યો પહોંચ્યા નથી. જેમાંથી એક છે, વિનેશ ફોગાટ. જેને ટોકયો પહોંચવામાં એક દિવસ મોડુ થઈ ચુક્યુ છે. કારણ કે તેના યૂરોપીયન યૂનિયન વિઝા ખતમ થયા હતા. જેના કારણે તેણે રોકાવુ પડ્યુ હતુ.

મીડિયા રિપોર્ટનુસાર વિનેશ મંગળવારે ૨૭ જૂલાઈએ ફ્રેન્કફર્ટથી ટોકયો માટે પોતાની ઉડાન નહોતી ભરી શકી. કારણ કે ઈયૂ વિઝા વિનાની અવધી એક દિવસ પહેલા જ ખતમ થઈ ગઈ હતી. વિનેશ પાછળના કેટલાક સપ્તાહોથી હંગેરીમાં પોતાના કોચ વોલર અકોસ સાથે ટ્રેનિંગ કરી રહી હતી. તેને મંગળવારે જ ટોક્યો પહોંચવાનું હતુ. જોકે જર્મનીના શહેર ફ્રેન્કફર્ટથી જે કનેકટીંગ ફ્લાઈટ તેણે પકડવાની હતી, તેમાં તે મુસાફરી કરી શકી નહોતી. કારણ કે વીઝાની સમય મર્યાદા ખતમ થઈ જતા તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવી હતી.

આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘના સૂત્રોએ બતાવ્યુ હતુ કે મામલાને ઉકેલી લેવામાં આવ્યો છે. આજે ટોક્યો પહોંચી જશે. રિપોર્ટ મુજબ આ એક ભૂલ હતી અને તે જાણીને કરવામાં આવેલી નહોતી. તેના વિઝા ૯૦ દિવસ માટે માન્ય હતા. પરંતુ બુડાપેસ્ટથી ફ્રેન્કફર્ટ પહોંચવા પર ખ્યાલ આવ્યો કે તે ૯૧ દિવસ માટે યૂરોપિયન યૂનિયનમાં હતી. ભારતીય સ્પોર્ટસ ઓથોરીટીએ આ મામલાને ઝડપથી હાથ પર લીધો હતો. ત્યારબાદ ફ્રેન્કફર્ટમાં ભારતીય વાણીજ્ય દૂતાવાસ મામલાને ઉકેલવા માટે એરપોર્ટ પર પહોંચ્યુ હતુ. વિનેશ આવતીકાલે ટોકયોમાં હશે.

(12:51 pm IST)