ખેલ-જગત
News of Friday, 28th August 2020

બોલ ઉપર મોઢા અને ગળાંના પરસેવાને નહીં લગાવી શકાય

કોરોના કાળમાં ખેલાડીઓની સલામતી પર જોર : ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્વે ઓસ્ટ્રેલિયાએ તેના ખેલાડીઓ પર સ્વાસ્થ્ય સલામતી સંદર્ભે વધારે પ્રતિબંધ લગાવી દીધા

મેલબોર્ન, તા. ૨૮ : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોવિડ ૧૯ સંક્રમણ ફેલાવવાના જોખમને ઓછું કરવાની કોશિશમાં ઈંગ્લેન્ડની સામે લિમિટેડ ઓવરની સીરિઝ દરમિયાન બોલ ચમકાવવા માટે પોતાના ખેલાડીઓને માથું, મોઢા અને ગળાંના પરસેવાનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. આઈસીસીએ કોરોના મહામારીથી બચવા માટે સ્વાસ્થ્ય સુરક્ષા સંદર્ભે બોલ પર લાળના ઉપયોગ પર બેન લગાવી દીધો છે. જો કે, ખેલાડી શરીરના કોઈપણ ભાગમાંથી પરસેવો લઈ શકે છે અને તેને બોલ પર લગાવી શકે છે.

સીએ આ વાયરસને ફેલાતો અટકાવવા અને કોઈપણ જોખમને ઓછું કરવા માટે સતર્કતાથી નિર્ણયો લઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અનુસાર મેડિકલ સલાહને આધારે તેમણે પોતાના ખેલાડીઓને કહ્યું છે કે, તે મોઢા અથવા નાકની પાસેના પરસેવાનો ઉપયોગ ન કરે. ૪ સપ્ટેમ્બરથી સાઉથમ્પટનમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી સીરિઝ દરમિયાન પેટ કે કમરના ભાગ પાસેથી જ પરસેવાનો ઉપયોગ કરવાનો વિકલ્પ બચ્યો છે. ટીમના મુખ્ય બોલર મિશેલ સ્ટાર્કને લાગે છે કે સિમિત ઓવરોની ફોર્મેટમાં વધારે અસર નહીં પડે.

સ્ટાર્કે કહ્યું કે, સફેદ બોલની ક્રિકેટમાં તે એટલું ઈમ્પોર્ટન્ટ નથી. એક વખત નવા બોલથી રમવાનું થાય કે તમે બોલની સાઈનિંગ રાખવાનો પ્રયાસ કરો છો. તે લાલ બોલની ક્રિકેટમાં વધારે મહત્વ હોય છે. ઈંગ્લેન્ડના ખેલાડી વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની સામે સીરિઝ દરમિયાન પોતાની પીઠ કે માથાના પરસેવાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

(7:10 pm IST)