ખેલ-જગત
News of Thursday, 29th July 2021

ભારતીય મુક્કેબાજ પૂજા રાનીની કારર્કિદી મુશ્‍કેલીથી ભરપૂરઃ હાથ દાઝી ગયો હતો છતાં હિંમત રાખીને આગળ વધતી રહીઃ પિતાની ઇચ્‍છા બોક્‍સર બને તેવી ન હતી

પૂજા હવે મેડલ જીતવાથી માત્ર એક મેચ દૂર

ટોક્યો: ભારતની બોક્સર પૂજા રાનીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. બુધવારે 75 કિલો મિડલવેટ કેટેગરીના રાઉન્ડ-16 મુકાબલામાં તેણે અલ્જીરિયાની ઈચરક ચાઈબને 5-0થી પરાજય આપ્યો છે. આ જીતની સાથે પૂજાએ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. તે મેડલ જીતવાથી એક મેચ દૂર છે. 30 વર્ષની પૂજાનો સામનો 31 જુલાઈએ ત્રીજો રેન્ક ધરાવતી ચીનની લિ કિયાન સામે થશે. પૂજા બે વખત એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવાની સફરમાં આ ચાઈનીઝ બોક્સરને હરાવી ચૂકી છે. જો પૂજા લી કિયાન સામે જીત મેળવશે તો તેનો મેડલ નકકી થઈ જશે.

કઈ રીતે ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મળી:

પૂજા રાનીએ માર્ચ 2020માં આયોજિત એશિયા-ઓશનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમીફાઈનલમાં પહોંચીને ટોક્યો ઓલિમ્પિકનો કોટા મેળવ્યો હતો. તેની સાથે જ તે ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય કરનારી પહેલી ભારતીય બોક્સર બની ગઈ હતી. ચોથી ક્રમાંકિત પૂજાએ ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડની પોરનિપા ચૂટીને 5-0થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી. જોકે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પૂજા ચીની બોક્સર લી કિયાન સામે હારી ગઈ હતી. જેના કારણે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

બોક્સિંગમાં કારકિર્દી મુશ્કેલીઓથી ભરપૂર:

હરિયાણાના ભિવાનીથી આવનારી પૂજા રાનીની કારકિર્દી મુશ્કેલીઓથી ભરપૂર રહ્યું છે. તે ખભાની ઈજા સામે ઝઝૂમતી રહી. જેનાથી તેની કારકિર્દી ખતમ થવાનો ડર હતો. તેનો હાથ પણ દાઝી ગયો હતો. આર્થિક સંકટ હોવા છતાં પણ તે આ જગ્યાએ પહોંચી છે જે પ્રશંસાને પાત્ર છે.

પિતા ઈચ્છતા ન હતા કે પૂજા બોક્સર બને:

પૂજા 2016માં ઓલિમ્પિકમાં જગ્યા મેળવી શકી ન હતી. તે સમયે એવું લાગતું હતું કે પૂજાની કારકિર્દી ખતમ થઈ જશે. અને તે ફરીવાર રિંગમાં ઉતરી નહીં શકે. કેમ કે દિવાળીમાં ફટાકડાં ફોડતાં સમયે પૂજાનો જમણો હાથ દાઝી ગયો હતો. જેમાંથી સારું થવામાં છ મહિના થયા અને આગામી વર્ષે 2017માં તેના ખભામાં ઈજા થઈ હતી. પૂજાના પિતા પોલીસ અધિકારી છે. તે નહોતા ઈચ્છતા કે પૂજા આ રમતમાં આગળ વધે. કેમ કે બોક્સિંગ આક્રમક લોકો માટે જ છે તેવું માનતા હતા. જોકે તેમ છતાં પૂજા બોક્સર બની અને હવે તે મેડલ જીતવાથી માત્ર એક મેચ દૂર છે.

(5:20 pm IST)