ખેલ-જગત
News of Tuesday, 29th September 2020

ટીમ ઇન્ડિયા વતી હું ૫૦૦ મેચ રમ્યો છું, કોહલી કે શ્રેયસ, કોઇપણ સાથે વાત કરી શકું

ઐયર ગાઇડન્સ લઇ રહયો હોવાનું કહ્યા બાદ થયેલા વિવાદ વિશે ગાંગુલીનો જવાબ

કલકતા : ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ દિલ્હી કેપિટલના કેપ્ટન શ્રેયસ એયરે ગાઇડન્સ માટે આભાર માનતાં થયેલા વિવાદ વિશે ટીકાકારોને સીધો ને સટ જવાબ આપી દીધો હતો. દિલ્હીની આ સીઝનની પહેલી મેચ પહેલાં એક ઇન્ટરવ્યુમાં કેપ્ટન શ્રેયસ એયરે જણાવ્યું હતું કે એક ખેલાડી અને કેપ્ટન તરીકેના તેના વિકાસ માટે ટીમના હેડ કોચ રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલીને શ્રેય આપ્યું હતું.

ગાંગુલી ગઈ સીઝનમાં દિલ્હી ટીમનો મેન્ટર હતો. શ્રેયસે ગાંગુલીનું નામ લેતાં વિવાદ થયો હતો કે કેમ કે તેઓ હવે કિકેટ બોર્ડના પ્રેસિડન્ટ છે. ટીકાકારોનું કહેવું હતું કે બોર્ડના પ્રેસિડન્ટ એક ફ્રેન્ચાઈઝી જેમાં તેઓ ગયા વર્ષે મેન્ટર હતા તેના કેપ્ટનને માર્ગદર્શન આપી રહ્યા છે અને એ હિતના ટકરાવનો મામલો છે. શ્રેયસે આ બાબતે ખુલાસો પણ કર્યો હતો કે ગયા વર્ષે તેમના તરફથી મળેલા માર્ગદર્શનની વાત કરી રહ્યો હતો.

ટીકાકારનો તેની સ્ટાઇલમાં સ્પષ્ટ જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે 'ગયા વર્ષે ટીમના મેન્ટર તરીકે મેં તેને માગદર્શન આપ્યું હતું. હું બોર્ડ પ્રેસિડન્ટ હોઈશ પણ એ ન ભૂલવુ જોઈએ કે હું ભારત વતી ૫૦૦ જેટલી મેચો રમ્યો છું એથી હું યુવા ખેલાડીઓ સાથે વાત કરી શકું છું અને તેમને માર્ગદર્શન આપી શકુ છું. એ શ્રેયસ એયર હોય કે વિરાટ કોહલી, જો તેમની મદદની જરૂર હશે તો જરૂર કરીશ.'

(3:19 pm IST)