અભિનેત્રી કાજોલ સાથે કામ કરનાર "ધ ટ્રાયલ' ફેમ અભિનેત્રી નૂર મલબીકા દાસની આત્મહત્યા 37 વર્ષની અભિનેત્રીનો મૃતદેહ ઘરમાંથી સડી ગયેલ હાલતમાં મળ્યો
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ વારંવાર થતી દુર્ઘટનાઓ પાછળના કારણો શોધવા તથા નૂર મલબીકા દાસના આત્મહત્યા કેસની સંપૂર્ણ તપાસ કરવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રજૂઆત

મુંબઈ તા. 10 : મનોરંજન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. 'ધ ટ્રાયલ' ફેમ અભિનેત્રી નૂર મલબીકા દાસનું નિધન થયું છે. તેમની ઉંમર માત્ર 37 વર્ષની હતી. તેનો મૃતદેહ 6 જૂને લોખંડવાલામાં તેના ઘરમાંથી સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે.
Play
નૂર મલબીકા દાસના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મુંબઈ પોલીસે આ અંગે માહિતી આપી છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
નૂરના મૃત્યુ પર નિવેદન આપતી વખતે, મુંબઈ પોલીસે ખુલાસો કર્યો કે તેનો મૃતદેહ અંધેરી, ઓશિવારા વિસ્તારમાં તેના ઘરમાંથી સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે અભિનેત્રીએ ઘરના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી છે. જ્યારે પડોશના લોકોએ ઘરમાંથી આવતી દુર્ગંધ અંગે પોલીસને ફરિયાદ કરી તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નૂર મલબીકા દાસની લાશને બહાર કાઢી.
નૂર મલબીકા દાસ કાજોલની વેબ સિરીઝ 'ધ ટ્રાયલ' માટે જાણીતી છે. તે એર હોસ્ટેસ પણ રહી ચુકી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેણે 5 જૂન 2024ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસનું કહેવું છે કે નૂરે ઘરના પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અહેવાલો અનુસાર, નૂર મલબીકા દાસ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.
સરકારે દરેક ખૂણાથી તપાસ કરવી જોઈએ - AICWA
ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પણ નૂર મલબીકા દાસની આત્મહત્યા પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના એક્સ હેન્ડલ દ્વારા લખ્યું કે આ ઘટનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધતી આત્મહત્યાના સમાચારને લઈને ચિંતા પેદા કરી છે. એસોસિએશને સરકારને વિનંતી કરી છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ વારંવાર થતી દુર્ઘટનાઓ પાછળના કારણો શોધવા.તેણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નૂર મલબીકા દાસના આત્મહત્યા કેસની સંપૂર્ણ તપાસ કરવા પણ આહ્વાન કર્યું છે. એસોસિએશને આ મામલાની કાવતરાના એંગલથી તપાસ કરવાનું પણ કહ્યું છે.
