‘બાદલ પે પાંવ હૈ' શો સોની સબ પર શરૂ થયોઃ આકાશ આહુજાની મુખ્ય ભુમિકા
આકાશે પાત્રની વિશેષતા, નિર્માતા સરગુન અને રવિ સાથેના કામના અને ચંદીગઢના શુટીંગના અનુભવ વર્ણવ્યા

મુંબઇ તા. ૧૪: સોની સબ ચેનલ પર નવો શો ‘બાદલ પે પાંવ હૈ'ની શરૂઆત થઇ ચુકી છે. આ શોમાં આ શોમાં અમનદીપ સિધ્ધુ મહેનતુ અને મધ્યમ વર્ગની પંજાબી છોકરી બાનીનું પાત્ર ભજવી રહી છે. જ્યારે આકાશ આહુજા શોમાં રજત ખન્નાનો રોલ નિભાવી રહ્યો છે. આકાશે કહ્યું હતું કે સરળ અને નિરાભીમાની વ્યક્તિ કરતાં નકારાત્મક પાત્ર ભજવવુ વધુ સહેલુ છે. આકાશે પોતાના પાત્રની વિશેષતાઓ અને ચંદીગઢમાં શુટીંગ કર્યુ તેના અનુભવ તેમજ નિર્માતા સરગુન મહેતા અને રવિ દૂબે સાથે કામ કરવાના પોતાના અનુભવની વાતો કરી હતી.
આકાશે કહ્યું હતું કે આ શોમાં મારુ રજતનું પાત્ર છે જે નિરાભીમાની અને સરળ છે, તે સાધારણ બેકગ્રાઉન્ડને કારણે આનંદી જીવન જીવે છે અને સંતુષટ છે. રજત નાનો વ્યવસાય ચલાવે છે. તે પ્રમાણિકતાથી કામ કરે છે. તેનું પાત્ર મધ્યમ વર્ગના મુલ્યો, આકાંક્ષાઓના સારનું પ્રતિનિધીત્વ કરે છે. રજતમાં હું મારી જાતને જોઉ છું, હું મારા પોતાના અનુભવો આ પાત્રને ભજવવામાં ઉપયોગમાં લઉ છું.
જ્યારે આ શોમાં બાનીનું પાત્ર અમનદીપ ભજવી રહી છે, બાની એ મોટા સપના ધરાવતી નાના શહેરની છોકરી છે. તેને પરિવાર તરફથી પુરતો ટેકો નથી. આકાશ કહે છે બાની સાથે શુટીંગ કરવાનો અનુભવ સારો રહ્યો છે. અમે બંને પ્રોફેશનલ છીએ, સેટ પર પરસ્પર સમજણ શેર કરીએ છીએ. રજત અને બાનીની મુસાફરી એક નવી ઉંચાઇએ પહોંચવા મહેનત કરશે. રજતની હાજરીથી બાનીને ખાતરી રહે છે કે તેના માર્ગમાં આવતા પડકારોને તે પહોંચી વળશે. આ શો સોમથી શની સાંજે સાડા સાત કલાકે સોની સબ ચેનલ પર દસમી જુનથી શરૂ થઇ ગયો છે.
