બોલીવુડની ત્રણ દિગ્ગજ અભિનેત્રીઓ કાશ્મીરમાં વેકેશન પર
આશા પારેખ, હેલન અને વહીદા રહેમાન શ્રીનગરમાં એક સાથે

જમ્મુ તા. ર૪: બોલીવુડની વયોવૃદ્ધ ત્રણ દિગ્ગજ અભિનેત્રીઓ આશા પારેખ, હેલન અને વહીદા રહેમાન શ્રીનગરમાં વેકશનની મોજ માણી રહી છે. ત્રણેય અભિનેત્રીઓ ૮૦ વર્ષની આસપાસ પહોંચેલ છે. બોલીવુડના સોનેરી કાળમાં પોતાની શાનદાર ભૂમિકાઓ માટે જાણીતી આ ત્રણે અભિનેત્રીઓએ અવાર નવાર પોતાની ફિલ્મોમાં કાશ્મીરના ઘાસના મેદાનોમાં રોમાંસ કર્યો છે. હવે તેઓ કામ માટે નહીં પણ કાશ્મીરની એ ખુબસુરતીનો આનંદ લેવા અહિં આવી છે જે તેમને પોતાની વ્યસ્ત કામગીરી દરમ્યાન બહુ ઓછો મળ્યો હતો.દિગ્ગજ અભિનેત્રી આશા પરેખે પોતાના આદર્શ રિટ્રીટની એક ઝલક શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામની મદદ લીધી. એક ઇમેજમાં ત્રણે અભિનેત્રીઓ એક બગીચામાં શાનદાર જગ્યાનો આનંદ લેતી દેખાઇ રહી છે. ‘‘શ્રીનગરમાં મારી પ્રિય મિત્ર હેલનજી અને વહીદાજીની સાથે'' કેપ્શન સાથે આશા પારેખ ગુલાબી પોશાકમાં છે તો હેલને સફેદ દુપટ્ટા સાથે બોટલ ગ્રીન રંગનો કુર્તો પહેર્યો છે જયારે વહીદા રહેમાને એક પ્રિન્ટેડ શર્ટ પહેરેલો છે.
હાઉસબોટ પર તેમનો એક ફોટો વાયરલ થયા પછી આ ત્રિપુટીએ પ્રશંસકો વચ્ચે પુરાણી યાદોની એક લહેર જગાવી છે. આશા પારેખે એક તસ્વીર શેર કરી હતી જેમાં તેઓ લાકડાની નકશીદાર પૃષ્ઠીભૂમિમાં દેખાઇ રહ્યા છે, જેમાં એક શાહી ઝુમ્મર પણ છે. કેપ્શનમાં લખ્યું છે, ‘‘શ્રીનગરમાં હાઉસ બોટની મોજ માણતા''. સાથે જ ફ્રેન્ડસ ફોર એવર અને મેકીંગ મેમોરીઝ જેવા હેશટેગ પણ છે.
