<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 27th June 2024

સંગીતના શહેનશાહ, ભારતીય સંગીતને દુનિયાભરમાં ઓળખ આપનારા આર. ડી. બર્મનનો આજે જન્‍મદિવસ

કિશોર કુમારને પહેલી વખત સાંભળ્‍યા ત્‍યારે કહેલું- યે યાદમી પાગલ હૈ!: એ પછી આ બંનેની જોડીએ હિન્‍દી સિનેમા જગતમાં ચારચાંદ લગાવ્‍યા હતાં

મુંબઇ તા. ૨૭: સંગીતના શહેનશાહ અને ભારતીય સંગીતને આખી દુનિયામાં ઓળખ આપનારા સંગીતકાર આરડી બર્મનનો આજે જન્‍મદિવસ છે. આરડી બર્મન સંગીત જગતનું એક એવું નામ છે. જેના વિના સંગીત જગત કદાચ અધૂરૂં છે. પોતાની કલાના દમ પર તેમણે ભારતીય સંગીતને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ અપાવી. આ જ કારણ છે કે આજે તે આપણી વચ્‍ચે નથી પરંતુ પોતાના સંગીતથી લોકોના દિલમાં અમર છે. આજે આરડી બર્મનનો જન્‍મદિવસ  છે. આરડી બર્મને ૬૦થી ૮૦ના દાયકા સુધી બોલિવૂડ સંગીત પર પ્રભુત્‍વ જમાવ્‍યું છે. આજે આખી દુનિયા તેમને તેમની પ્રતિભાના કારણે યાદ કરે છે.

 દરેકના દિલ પર રાજ કરનારા આરડી બર્મનને લોકો પ્રેમથી ‘પંચમ દા' કહીને બોલાવતા હતા. આરડી બર્મન કે જેમણે ૬૦થી ૮૦ના દાયકા સુધી ઘણા સુપરહિટ ગીતો બનાવ્‍યા. તેમનો જન્‍મ ૨૭ જૂન ૧૯૩૯ના રોજ થયો હતો. તેઓ પ્રખ્‍યાત સંગીતકાર સચિન દેવ બર્મનના પુત્ર હતા. સચિન દેવ બર્મનનું નામ હિન્‍દી સિનેમાના અગ્રણી સંગીતકારોમાંનું એક હતું. સાથે જ તેમના માતા વિશે વાત કરીએ તો માતા મીરા દેવ બર્મન ગીતકાર હતા. આથી આરડી બર્મન એવા બેકગ્રાઉન્‍ડ સાથે સંબંધ રાખતા હતા જ્‍યાં સંગીતના દિગ્‍ગજો હાજર હતા.

પંચમ દાએ સતત ત્રણ દાયકા સુધી હિન્‍દી સિનેમા પર રાજ કર્યું છે. આ દરમિયાન તેમણે ૩૩૧ ફિલ્‍મોને સુપરહિટ સંગીત આપ્‍યું છે. જે આજે પણ લોકોના મનમાં જીવંત છે. એટલું જ નહીં પંચમ દા તેમના સંગીતની સાથે તેમના મધુર અવાજ માટે પણ જાણીતા હતા.

આરડી બર્મન અને કિશોર કુમારની પહેલી મુલાકાત થઇ ત્‍યારે આરડીએ કિશોરને જોતાં જ યે આદમી પાગલ હૈ! એવું કહી દીધુ હતું. આ વાત કિશોર કુમારના પુત્ર અમિત કુમારે ઇન્‍ડિયન આઇડલના મંચ પર કરી હતી. અમિતે કહ્યુંઅત્‍યારે પંચમ દા અને મારા પિતાજી વચ્‍ચે દસ વર્ષની ઉમરનું અંતર હતું. પિતા એમનાથી મોટા હતાં. એ બંને એક સમયે સંઘર્ષ કરતાં હતાં.  એક વખતે પંચમ દાએ કહેલું મારે આવા જ પાગલ માણસની જરૂર હતી. એ પહેલા પંચમ દાએ કહેલુ કે આ આદમી કોણ છે, તે કેવો પાગલની જેમ બીજા ગાયકોની નકલ ઉતારે છે. જો કે પછી આ બંનેની જોડીએ ભારતીય સંગીતને ચારચાંદ લગાવી દીધા હતાં.

આરડી બર્મન-કિશોર કુમારના શાનદાર ગીતો:- પન્‍ના કી તમન્‍ના, ઓ મેરે દિલ કે ચૈન, હમે તુમસે પ્‍યાર કીતના, દેખા ન હાય રે, આપ કી આંખો મેં, તુમ આ ગયે હો તો નૂર આ ગયા હૈ, ઓ હંસની, દિલબર મેરે, જિંદગી કે સફર મે...સહિતના અવિસ્‍મરણીય ગીતો બંનેએ સાથે આપ્‍યા છે.

(3:09 PM IST)