કલ્કીની ૮ દિ'ની કમાણી ૭૦૦ કરોડ ભારતમાં જ ૪૦૦ કરોડનું કલેકશન : રેકોર્ડ

મુંબઇ તા. ૫ : પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની ત્રિપુટી માટે વર્ષ ૨૦૨૪ ખૂબ જ યાદગાર બની રહેવાનું છે. થોડા દિવસ પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ બની રહી છે. કલ્કિ ૨૮૯૮ એડી, જે રૂ. ૯૫ કરોડ સાથે ઓપનિંગ કરનાર આ ફિલ્મ અટકવાનું નામ લેતી નથી.
શૈતાન અને ફાઈટર જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડનાર કલ્કી કામકાજના દિવસોમાં પણ બોક્સ ઓફિસ પર બુલેટ ટ્રેનની ઝડપે દોડી રહી છે. બુધવારે લગભગ ૨૩ કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રભાસ સ્ટારર ફિલ્મે તેની રિલીઝના આઠમા દિવસે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
કલ્કિ ૨૮૯૮ એડીની વાર્તા મહાભારતથી ૬૦૦૦ વર્ષ આગળ એક નવા યુગમાં સેટ છે. દીપિકા પાદુકોણ અને કમલ હાસન સ્ટારર આ ફિલ્મનો કોન્સેપ્ટ અને VFX લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હિન્દી ઉપરાંત, આ ફિલ્મ તેની શરૂઆતથી જ તમિલ અને તેલુગુમાં પણ સારો બિઝનેસ કરી રહી છે.
વિશ્વભરમાં ઝડપથી રૂ. ૭૦૦ કરોડનો આંકડો પાર કરનારી આ સાય-ફાઇ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પણ રૂ. ૪૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. માત્ર આઠ દિવસમાં પ્રભાસની આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૪૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને વર્ષ ૨૦૨૪ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
ર્લ્ીશત્તર્્ીઁશ્રશત્ત્.ણૂંળ ના અહેવાલો અનુસાર, કલ્કિ ૨૮૯૮ એડી ગુરુવારે હિન્દી અને તેલુગુ ભાષાઓમાં સારી કમાણી કરી હતી, પરંતુ તમિલ અને મલયાલમમાં ફિલ્મની કમાણી નોંધપાત્ર રીતે ઘટી રહી છે. પ્રભાસની આ ફિલ્મે રિલીઝના આઠમા દિવસે હિન્દીમાં ૧૦.૫ કરોડ રૂપિયા, તેલુગુમાં ૧૦ કરોડ રૂપિયા, તમિલમાં ૯ લાખ રૂપિયા, મલયાલમમાં ૭ લાખ રૂપિયા અને કન્નડમાં ૨ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
હિન્દીમાં ફિલ્મનું કુલ કલેક્શન ૧૬૨.૮ કરોડ પર પહોંચી ગયું છે, જયારે તેલુગુમાં ફિલ્મે ૨૧૨.૦૫ કરોડ અને તમિલમાં ફિલ્મે કુલ ૨૩ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ફિલ્મ પ્રભાસના કરિયરમાં એક માઈલસ્ટોન સાબિત થઈ છે.
