સાત રૂપિયાની ચા વેચતા ડોલીએ પ્રોગ્રામ કરવા પાંચ લાખ માગ્યા
કુવૈતના એક વ્લોગર તૈયબ ફખરૂદ્દીને પણ તેને કાર્યક્રમમાં બોલાવવાનું નક્કી કર્યું, પરંતુ ડોલીનો ભાવ સાંભળીને ચક્કર ખાઈ ગયો

હૈદરાબાદ,તા. ૬: હૈદરાબાદમાં માઇક્રોસોફટના બિલ ગેટ્સને ચા પીવડાવ્યા પછી વધુ ફેમસ થયેલા નાગપુરના ડોલી ચાવાળાની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. બિલ ગેટ્સવાળી ઘટના પછી તેને કાર્યક્રમો અને સમારંભોમાં આવવાનાં આમંત્રણો મળવા લાગ્યાં છે. કુવૈતના એક વ્લોગર તૈયબ ફખરુદ્દીને પણ તેને કાર્યક્રમમાં બોલાવવાનું નક્કી કર્યું, પરંતુ ડોલીનો ભાવ સાંભળીને ચક્કર ખાઈ ગયો. વ્લોગરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે મેં ડોલીને કુવૈત બોલાવવાનું વિચારીને તેનો સંપર્ક કર્યો, પરંતુ તે બહુ મોંઘો છે. તૈયબ ફખરુદ્દીનના કહેવા પ્રમાણે ડોલીએ ત્યાં આવવાનો ૨૦૦૦ દિનાર એટલે કે પાંચ લાખ રૂપિયા ચાર્જ કહ્યો છે. આ એક દિવસનો ચાર્જ છે. તેની સાથે એક સહાયક પણ આવશે અને રહેવા માટે પણ ફોર કે ફાઇવસ્ટાર હોટેલમાં રૂમ બુક કરવા કહ્યું છે. મજાની વાત એ છે કે વ્લોગર સાથે આ બધી વાતચીત ડોલીએ નહીં, તેના મેનેજરે કરી હતી. ડોલી સાત રૂપિયામાં ચા વેચે છે, પરંતુ એની વિશિષ્ટતાને કારણે રોજ ૩૫૦થી ૫૦૦ કપ ચા વેચાય છે. એટલે તે દિવસના ૨૪૫૦થી ૩૫૦૦ રૂપિયા કમાય છે અને તેની કુલ સંપત્તિ ૧૦ લાખ રૂપિયા હોવાનું અહેવાલો કહે છે.
