સલમાને રૂ.૧૬૭ કરોડની હિરા જડેલી ઘડિયાળ પહેરી
લક્ઝરી વોચ અને જ્વેલરી બ્રાન્ડના સ્થાપક અરબોએ અદભૂત અને અત્યંત કિંમતી ટાઈમપીસ સલમાનના કાંડે મૂકયો : ૭૦૦થી વધુ હીરા જડેલા છે

મુંબઇ, તા.૧૨: સલમાન ખાન સાથે નામ જોડાય તે બ્રાન્ડ માટે લોકોની ઉત્સુકતા વધી જતી હોય છે. સલમાને લક્ઝરી બ્રાન્ડ માટેની ચોઈસને કરોડો રૂપિયાની ઘડિયાળ સાથે શેર કરી હતી. પોતાના કાંડા પર ઘડિયાળ બતાવી રહેલા સલમાનનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ ઘડિયાળની કિંમત ૨૦ મિલિયન ડોલર એટલે કે રૂ.૧૬૭ કરોડ હોવાનું કહેવાય છે.
જાણીતા જ્વેલર જેકોબ અરબો દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લક્ઝરી વોચ અને જ્વેલરી બ્રાન્ડના સ્થાપક અરબોએ અદભૂત અને અત્યંત કિંમતી ટાઈમપીસ સલમાનના કાંડે મૂકયો હતો. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું મારી બિલિયોનર કોઈને ટ્રાય કરવા દેતો નથી, પરંતુ સલમાન ખાનને તેમાં અપવાદ રાખ્યા છે. પોસ્ટમાં દેખાતી ઘડિયાળ અરબો જ્વેલરી બ્રાન્ડના ‘બિલિયોનર' કલેક્શનમાં આવે છે.
તેની કિંમત જાણીને જ આંખો પહોળી થઈ જાય તેમ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ મુજબ આ ઘડિયાળમાં ૭૦૦ હિરા જડેલા છે અને ૧૨૦ કેરેટનું ઉમદા નિર્માણ છે. આવી ઘડિયાળ ખૂબ ઓછી બનાવવામાં આવી છે, જેથી દુનિયાના ગણતરીના લોકો પાસે જ તેનું કલેક્શન હોય અને સાચા અર્થમાં તેને બિલિયોનર ચોઈસ તરીકે સ્થાપિત કરી શકાય. વીડિયોના અંતમાં ઘડિયાળની જટિલ બનાવટને સલમાન ખાન વખાણતા નજરે પડે છે.
કેટલાક લોકોનું માનવું છે કે, આ વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ વખતનો છે. લક્ઝરી વોચ મેકર પોતે પણ આ વેડિંગમાં હાજર રહ્યા હતા. વેડિંગ દરમિયાન સલમાન સાથે તેમની મુલાકાત થઈ હતી. સલમાન ખાને આ ઘડિયાળ ખરીદી છે કે, પછી માત્ર થોડા સમય માટે પહેરી હતી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સલમાન પાસે આ ઘડિયાળ હોય તો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, જે ઝેડ, ડેવિડ બેકહેમ જેવા જૂજ સિતારાની હરોળમાં તેઓ આવી જશે, કારણ કે તેમની પાસે અગાઉથી આ ઘડિયાળ છે.
