શાર્પ શૂટરના નિશાના પર નિક જોન્સ? પ્રિયંકાનો પતિ સ્ટેજ છોડીને ભાગ્યો

મુંબઇ,તા. ૧૬: પોપ સ્ટાર નિક જોનાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની સુરક્ષા માટે કેટલાક સંકેતો આપતા સ્ટેજ પરથી ભાગતો જોવા મળી રહ્યો છે. નિક જોનાસ તેમના ભાઈઓ કેવિન અને જો જોનાસ સાથે મંગળવારે પ્રાગમાં તેમની ધીઝ ડેઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે એક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ જ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નિકને લેસર દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યો છે તે સમજીને ઝડપથી સ્ટેજ પરથી ભાગતો જોઈ શકાય છે.
વીડિયોમાં નિક જોનાસ દર્શકો તરફ ઉપર તરફ જોતો જોવા મળે છે. આ પછી તે પોતાના સુરક્ષાકર્મીઓને કેટલાક સંકેત આપે છે અને સ્ટેજ પરથી ભાગી જાય છે. આ વીડિયો તેના એક ફેન પેજ, જોનાસ ડેઈલી ન્યૂઝ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોએ પોપ સ્ટારના ફેન્સની ચિંતા વધારી દીધી છે. કેટલાક યુઝર્સ તેની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
