<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 17th October 2024

સલમાનની હત્‍યાનું કાવતરૂં ઘડનારની પાણીપતથી ધરપકડ

 

મુંબઇ,તા. ૧૭: રાજનેતા બાબા સિદ્દીકીની હત્‍યા બાદ બોલિવૂડ સુપરસ્‍ટાર સલમાન ખાનની સુરક્ષા પણ ઘણી વધારી દેવામાં આવી છે. કુખ્‍યાત લોરેન્‍સ બિશ્નોઈ ગેંગે તેના પર હુમલાની જવાબદારી લીધી હતી. હવે સલમાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. મુંબઈ પોલીસે સલમાનની હત્‍યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી છે.

આ અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે આરોપીની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે અને તેનું નામ સુખા છે. તેને નવી મુંબઈ લાવવામાં આવ્‍યો છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ વર્ષે જૂનમાં, પોલીસે દાવો કર્યો હતો કે સલમાન ખાનને તેના નવી મુંબઈના ફાર્મહાઉસ તરફ જતી વખતે નિશાન બનાવવામાં આવ્‍યો હતો. આ ષડયંત્ર પહેલા એપ્રિલમાં બાંદ્રા સ્‍થિત સલમાનના ઘર ગેલેક્‍સી એપાર્ટમેન્‍ટની બહાર અજાણ્‍યા લોકોએ ફાયરિંગ કર્યું હતું.

સલમાને આ વર્ષની શરૂઆતમાં પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેને શંકા છે કે લોરેન્‍સ બિશ્નોઈ ગેંગ તેના ઘરની બહાર હુમલો કર્યો છે. અને આ તેને અને તેના પરિવારના લોકોને મારવાના ઈરાદાથી કરવામાં આવ્‍યું હતું.

સલમાનનું નિવેદન પોલીસે આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટનો એક ભાગ છે. સલમાને જણાવ્‍યું હતું કે જાન્‍યુઆરી ૨૦૨૪માં બે અજાણ્‍યા લોકોએ નકલી ઓળખ દ્વારા પનવેલ નજીક તેના ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, લોરેન્‍સ બિશ્નોઈ ગેંગ અને સંપત નેહરા ગેંગે સલમાનના બાંદ્રા હાઉસ, પનવેલ ફાર્મહાઉસ અને શૂટિંગ લોકેશન પર તેની હિલચાલ પર નજર રાખવા માટે ૬૦-૭૦ લોકોને કામે રાખ્‍યા હતા. સલમાનની હત્‍યાના કાવતરાની માહિતી બાદ ૨૪ ઓગસ્‍ટના રોજ પનવેલ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ઘણા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો હતો.

(3:10 PM IST)