મંગળવારે અમાલ મલિક-નિકિતા ગાંધી શહેરીજનોને ડોલાવશે
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના પ૧ સ્થાપના દિનની ઉજવણી થશેઃ તડામાર તૈયારી રાત્રે ૮-૩૦ કલાકે ડી.એચ. કોલેજના મેદાનમાં કાર્યક્રમઃ પ૦ અધિકારીઓને કામગીરી સોંપાઇ

મહાનગરપાલિકાની સ્થાપનાની ૫૧-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૧૯ મંગળવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેમ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા જણાવ્યું છે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સામાજિક અગ્રણી શ્રી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવેલ છે. જેમાં, મંડપ, લાઈટ્સ સાઉન્ડ, બેઠક વ્યવસ્થા, ર્પાકિંગ, સુરક્ષા વગેરે જેવી કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે કુલ-૨૧ સમિતિની રચના કરી, ૫૦ જેટલા અધિકારીઓ અને તેના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા.મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
