હવે દિશા વાકાણીની વાપસી નહીં થાય : દયા ભાભીને લઈને અસિત મોદીનું મોટું નિવેદન : હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હું માનું છું કે હવે દિશા વાકાણીની વાપસી થશે નહીં. તે બે બાળકોની માતા છે,મહિલાઓ માટે લગ્ન પછી જીવન સરળ નથી રહેતું, પરંતુ ઘણું બદલાઈ જાય છે
હું હજુ પણ પોઝિટિવ છું. હું આશાવાદી છું અને માનું છું કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પાછી ફરશે અને તે સારી વાત હશે. જો તે પરત ન આવી શકે તો મારે બીજી દયા બેનને લાવવી પડશે

મુંબઈ તા.૩ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી ફેન્સનો મનપસંદ શો છે. હાલ પણ આ શો ચાલી રહ્યો છે અને ટીવી પર દર્શકો તેને જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા કલાકારોએ શોને અલવિદા પણ કહી દીધું છે. તેમ છતાં દર્શકો માટે આ શો પ્રત્યે પ્રેમ ઓછો થયો નથી. જો કે, દર્શકો તેમની ફેવરિટ દયા ભાભીની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટું નિવેદન આપી દીધું છે.
આ શોમાં દિશા વાકાણી દયા ભાભીનો રોલ પ્લે કરતી હતી. છેલ્લા ઘણા સમયથી તે ટીવી પરથી ગાયબ છે. અવારનવાર તેની વાપસીના સમાચાર સામે આવતા રહે છે. આજે પણ લોકોને આશા છે કે, તેણીની શોમાં વાપસી થશે. ત્યારે હવે અસિત મોદીએ દિશા વાકાણીની શોમાં વાપસીને સ્પષ્ટ નિવેદન આપી દીધું છે.
અસિત મોદીએ કહ્યું કે, હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ હું માનું છું કે હવે દિશા વાકાણીની વાપસી થશે નહીં. તે બે બાળકોની માતા છે. તે મારી બહેન જેવી છે. હું હજી પણ તેના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ શેર કરું છું. દિશા વાકાણી મારા માટે બહેન જેવી છે, તેણે મને રાખડી પણ બાંધી છે. તેના પિતા અને ભાઈ મારા પરિવારનો એક ભાગ છે. અમે 17 વર્ષથી જોડાયેલા છીએ અને સાથે કામ કર્યું છે. તેના માટે હવે શોમાં પરત આવવું ખૂબ મુશ્કેલ છે.
અસિત મોદીએ વધુમાં કહ્યું કે, મહિલાઓ માટે લગ્ન પછી જીવન સરળ નથી રહેતું, પરંતુ ઘણું બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે શક્ય નથી. હું હજુ પણ પોઝિટિવ છું. હું આશાવાદી છું અને માનું છું કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પાછી ફરશે અને તે સારી વાત હશે. જો તે પરત ન આવી શકે તો મારે બીજી દયા બેનને લાવવી પડશે.
