‘દેવા' સારી શરૂઆત ન કરી શકી, ‘સ્કાય ફોર્સ' ૧૦૦ કરોડ ક્લબમાં પહોંચી
કલેક્શન શાહિદ કપૂરની ફલોપ ફિલ્મ રંગૂનની પહેલા દિવસની કમાણી કરતાં પણ ઓછું છે

મુંબઈ, તા.૧: શાહિદ કપૂરની ફિલ્મ દેવા ફેબ્રુઆરી મહિનો શરૂ થવાના એક દિવસ પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ. ફિલ્મમાં શાહિદે ગુસ્સાવાળા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. જોકે, આ ફિલ્મની બોક્સ ઓફિસ પર સારી શરૂઆત નહોતી થઈ. આ ઉપરાંત, સ્કાય ફોર્સ, ડાકુ મહારાજ, ઇમરજન્સી અને ગેમ ચેન્જર પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
શાહિદ કપૂરની ફિલ્મ દેવાને તેના નિર્માતાઓ તેમજ ચાહકો તરફથી ઘણી અપેક્ષાઓ હતી. જોકે, ફિલ્મ પહેલા દિવસે દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. આ ફિલ્મે શુક્રવારે માત્ર ૫ કરોડ રૂપિયાની કમાણી કરી. આ કલેક્શન શાહિદ કપૂરની ફ્લોપ ફિલ્મ રંગૂનની પહેલા દિવસની કમાણી કરતાં પણ ઓછું છે.
અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં વીર પહાડિયાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા પહેલા હવાઈ હુમલા પર આધારિત આ ફિલ્મે શુક્રવારે ૨.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે, ફિલ્મનું કુલ કલેક્શન ૧૦૧.૮૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ અક્ષય કુમારની ૧૭મી ફિલ્મ છે જે ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ છે.
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ છે. ફિલ્મ જોવા માટે દર્શકો થિયેટરોમાં ઉમટી રહ્યા નથી. આ જ કારણ છે કે ફિલ્મ ખૂબ જ ધીમી ગતિએ કમાણી કરી રહી છે. ૧૫મા દિવસે આ ફિલ્મે માત્ર સાત લાખ રૂપિયાની કમાણી કરી. આ સાથે, ફિલ્મની કુલ કમાણી ૧૭.૫૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર નંદમુરી બાલકળષ્ણની ફિલ્મ ડાકુ મહારાજે બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મે તેના ૨૦મા દિવસે રૂ.૨૪ લાખની કમાણી કરી. આ સાથે, ફિલ્મની કુલ કમાણી ૮૯.૦૨ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
રામ ચરણની રમત તેની પોતાની ફિલ્મ ગેમ ચેન્જર દ્વારા બગાડવામાં આવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે ફ્લોપ સાબિત થઈ છે. શંકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શુક્રવારે માત્ર ૫ લાખ રૂપિયાની કમાણી કરી શકી. ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી ફક્ત ૧૩૦.૬૭ કરોડ રૂપિયા રહી છે. (રર.૬)
