<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 13th February 2025

ન તો શોલે, ન તો મોગલ-એ-આઝમ.. ૧૦૦ કરોડની કમાણી કરનારી ડિસ્‍કો ડાન્‍સર પહેલી ભારતીય ફિલ્‍મ હતી

રશિયામાં ૯૪ કરોડનું કલેક્‍શનઃ ફિલ્‍મે ભારતીય બોક્‍સ ઓફિસ પર રૂ.છ કરોડની કમાણી કરી હતી

મુંબઈ, તા.૧૩: આજના સમયમાં ફિલ્‍મોની બોક્‍સ ઓફિસ પર રૂ. ૧૦૦ કરોડથી વધુની કમાણી સામાન્‍ય વાત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘણી ફિલ્‍મો આવી જેણે રૂ. ૫૦૦ કરોડથી વધુ કલેક્‍શન કર્યું. પરંતુ શું તમે જાણો છો વર્ષ ૨૦૦૦ પહેલાં પણ એક એવી ફિલ્‍મ આવી હતી, જેણે બોલિવૂડના તમામ રેકોર્ડ તોડી રૂ. ૧૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્‍મ બની હતી.

૧૯૬૦થી ૧૯૯૦ના દાયકામાં બોલિવૂડની ફિલ્‍મો દ્વારા ૧૦થી ૨૦ કરોડ રૂપિયાની કમાણી પણ બ્‍લોકબસ્‍ટર કેટેગરીમાં ગણાતી હતી. પરંતુ ૧૯૮૦ના દાયકામાં રીલિઝ થયેલી ડિસ્‍કો ડાન્‍સરે તે સમયમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી સુપરહીટ ફિલ્‍મ બની હતી. આ મ્‍યુઝિકલ ડ્રામા ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર રૂ. ૧૦૦નું કલેક્‍શન કરનારી પ્રથમ ભારતીય ફિલ્‍મ રહી હતી. ફિલ્‍મ ડિરેક્‍ટર બબ્‍બર સુભાષની ‘ડિસ્‍કો ડાન્‍સર' ફિલ્‍મથી મિથુન ચક્રવર્તીને એક નવી ઓળખ મળી હતી. તે આજે પણ ‘જિમી' રૂપે લોકપ્રિય છે. આ સુપરહીટ ફિલ્‍મથી મિથુનના ચાહકો બન્‍યા હતા. એક સડક છાપ સિંગરની ડિસ્‍કો સુપરસ્‍ટાર સુધીની વાર્તા રજૂ કરતી ફિલ્‍મે ભારતીય બોક્‍સ ઓફિસ પર રૂ. છ કરોડની કમાણી કરી હતી, પરંતુ વિદેશમાં મબલક કલેક્‍શન નોંધાવ્‍યું હતું.

ફિલ્‍મ ‘ડિસ્‍કો ડાન્‍સર'ને યુરોપમાં આકર્ષક પ્રતિસાદ મળ્‍યો હતો. ૧૯૮૪માં રશિયામાં રીલિઝ થતાં ત્‍યાં લગભગ ૬૦ મિલિયન રૂબલ (રૂ. ૯૪.૨૮ કરોડ)નું કલેક્‍શન કર્યું હતું. ફિલ્‍મની ૧૨ કરોડ ટિકિટ વેચાઈ હતી. આ સાથે તેની કુલ કમાણી રૂ. ૧૦૦.૬૮ કરોડ રહી હતી.

આ ફિલ્‍મ પહેલાં ‘શોલે' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ હતી, અમિતાભ બચ્‍ચન, ધમેન્‍દ્ર, સંજીવકુમાર, હેમા માલિની, જયા બચ્‍ચન સ્‍ટાર આધારિત ‘શોલે' ફિલ્‍મે વિશ્વભરમાંથી રૂ. ૩૫ કરોડની કમાણી કરી હતી. ફિલ્‍મ ‘ડિસ્‍કો ડાન્‍સર'એ તેના કરતાં ત્રણ ગણા કલેક્‍શન કર્યા હતા.

‘ડિસ્‍કો ડાન્‍સર' ફિલ્‍મના ૧૦૦ કરોડ કલેક્‍શનનો રેકોર્ડ એક દાયકા સુધી કોઈ તોડી શકયુ ન હતું. બાદમાં ૧૯૯૪માં હમ આપકે હે કૌન ફિલ્‍મે તેના રેકોર્ડ તોડ્‍યા હતા. ડિસ્‍કો ડાન્‍સરમાં મિથુન ચક્રવર્તી ઉપરાતં કલ્‍પના અય્‍યર, રાજેશ ખન્ના, કિમ યશપાલ, અને ઓમ પુરી જેવા કલાકારો હતા. મિથુનની તે સમયે બોલિવૂડમાં નવી-નવી જ એન્‍ટ્રી થઈ હતી. તેમ છતાં ડિસ્‍કો ડાન્‍સર બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મ રહી હતી. અને મિથુન પણ સુપર સ્‍ટાર બન્‍યો હતો.

(3:27 PM IST)