છાવા બની ગઈ છે ૨૦૨૫ની પહેલી બ્લોકબસ્ટર
૬ દિવસમાં આ ફિલ્મે ૨૦૩.૬૮ કરોડ રૂપિયાનું કરી લીધું છે નેટ કલેક્શન

મુંબઇ, તા.૨૧: ૨૦૨૫માં બૉક્સ-ઑફિસ પર ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે પણ વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ‘છાવા'એ જબરદસ્ત કમાણી કરી છે અને આને કારણે ફિલ્મ માત્ર ૬ દિવસમાં ૨૦૨૫ની હાઇએસ્ટ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પિરિયડ ડ્રામા મૂવીમાં વિકી કૌશલે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે જ્યારે તેમનાં પત્ની યેસુબાઈની ભૂમિકા રશ્મિકા મંદાનાએ નિભાવી છે. આ ફિલ્મનો ક્રેઝ લોકોમાં છવાયેલો છે.
ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મે રિલીઝ થતાં જ પહેલા દિવસે ૩૩.૧૦ કરોડનું ધમાકેદાર ઓપનિંગ કર્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે ૩૯.૩૦ કરોડ, ત્રીજા દિવસે ૪૯.૦૩ કરોડ, ચોથા દિવસે ૨૪.૧૦ કરોડ, પાંચમા દિવસે ૨૭.૨૫ કરોડ અને છઠ્ઠા દિવસે ૩૨.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ ૬ દિવસમાં આ ફિલ્મ ભારતમાં બૉક્સ-ઑફિસ પર અત્યાર સુધીમાં ૨૦૩.૬૮ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી ચૂકી છે.
ફિલ્મોના વેપાર-વિશ્ળેષકોને નવાઈ એ વાતની લાગી છે કે ‘છાવા'નું પહેલા દિવસનું જે કલેક્શન હતું ઑલમોસ્ટ એટલું જ છઠ્ઠા દિવસે થયું છે. જોકે છઠ્ઠા દિવસે બુધવારે છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની રજાનો ફિલ્મને ફાયદો મળ્યો હતો.
મહારાષ્ટ્રમાં ‘છાવા'ને ટૅક્સ-ફ્રી કરવાની માગણી વચ્ચે મધ્ય પ્રદેશ અને ગોવા એમ બે રાજ્યોમાં એને ટૅક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જયંતીએ છત્રપતિ સંભાજી મહારાજની ફિલ્મ ‘છાવા'ને ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત કરી હતી. એ જ રીતે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે પણ રાજ્યમાં ફિલ્મને ટૅક્સ-ફ્રી કરી છે.
