નિતેશ તિવારીની 'રામાયણ'માં યશ ભજવશે 'રાવણ' : શૂટિંગ શરૂ

મુંબઈ: કન્નડ સુપરસ્ટાર યશે રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર 'રામાયણ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે.રણબીર કપૂર 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. રણબીર અને સાઈ પલ્લવી મુંબઈમાં પોતાના પોર્શનનું શૂટિંગ કરી ચૂક્યા છે. હવે યશે પણ તેના ભાગનું શૂટિંગ શરૂ કરી દીધું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, યશ 21 ફેબ્રુઆરીએ શૂટિંગ સેટ પર પહોંચ્યો હતો અને બે દિવસના કોસ્ચ્યુમ ટ્રાયલ પછી શૂટિંગ શરૂ કર્યું હતું. હાલમાં, તેમના શૂટિંગનું ધ્યાન યુદ્ધની સિક્વન્સ પર છે, જેનું શૂટિંગ મુંબઈના અક્સા બીચ પર થશે. આ પછી, ફિલ્મનું આગળનું શૂટિંગ દહિસરના સ્ટુડિયોમાં થશે.આ ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો મોટા પાયે શૂટ કરવામાં આવી રહ્યા છે. એક્શન કોરિયોગ્રાફી જબરદસ્ત છે. આ દ્રશ્યોમાં ગ્રીન સ્ક્રીન ટેક્નોલોજી અને VFXનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, રણબીર કપૂર આ તબક્કામાં સામેલ થશે નહીં, કારણ કે તેમાં રામ અને રાવણ વચ્ચે સામસામે લડાઈનો સીન નથી.
