પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ચેતવણી : વાણી કપૂર જેની હિરોઇન છે એ ફિલ્મ ‘અબીર ગુલાલ' ૯ મેએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે

મુંબઈ,તા.૨: પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની નવી ફિલ્મ ‘અબીર ગુલાલ'નું ગઈ કાલે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફવાદ ખાનની ફિલ્મ આઠ વર્ષ પછી ભારતમાં રિલીઝ થઈ રહી છે. આ બાબતની જાણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને થતાં એના નેતાએ મહારાષ્ટ્રમાં આ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં તેની હિરોઇન વાણી કપૂર છે અને આ ફિલ્મ ૯ મેએ રિલીઝ થવાની છે.
MNSના પ્રવક્તા અમેય ખોપકરે કહ્યું હતું કે ‘અમે બહુ સ્પષ્ટ રીતે કહીએ છીએ કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ, કારણ કે એમાં પાકિસ્તાની એક્ટર છે. અમે કોઈ પણ રીતે આ ફિલ્મ મહારાષ્ટ્રમાં રિલીઝ થવા નહીં દઈએ. અમને ગઈ કાલે જ આ ફિલ્મ રિલીઝ થવાની છે એવી માહિતી મળતાં અમે ફિલ્મને લઈને વધુ વિગતો મેળવી રહ્યા છીએ અને એ પછી એના વિશે પૂરું સ્ટેટમેન્ટ બહાર પાડીશું.
શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ આ બાબતે કહ્યું હતું કે ‘ભારતમાં પાકિસ્તાન પ્રત્યે બહુ નફરત છે. હું તો પાકિસ્તાનીઓને સલાહ આપીશ કે હિન્દુસ્તાનમાં માર્કેટ એક્સ્પ્લોર કરવાને બદલે સારું રહેશે કે તેઓ પોતાના જ દેશમાં કામ કરે.(૪૦.૪)
