<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 14th April 2025

૩ મહિનામાં ૧૩ હિન્‍દી ફિલ્‍મોમાં ૮૯૦ કરોડનું રોકાણઃ ‘છાવા' સિવાય તમામ ફલોપ

હિન્‍દી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી માટે ૨૦૨૫ના વર્ષનું પ્રથમ ક્‍વાર્ટર ખાસ આશાસ્‍પદ રહ્યું નથી : ‘છાવા'ને ૬૧૩ કરોડની આવક, અન્‍ય ૧૨ ફિલ્‍મોને માંડ ૪૩૫ કરોડ મળ્‍યાં: ‘છાવા'માં ૧૩૦ કરોડનું ઈન્‍વેસ્‍ટમેન્‍ટ થયુ હતું, જ્‍યારે અન્‍ય ૧૨ ફિલ્‍મોનું સંયુક્‍ત રોકાણ ૭૬૦ કરોડ હતું

મુંબઈ,તા.૧૪: હિન્‍દી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી માટે ૨૦૨૫ના વર્ષનું પ્રથમ ક્‍વાર્ટર ખાસ આશાસ્‍પદ રહ્યું નથી. વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં આત્‍મવિશ્વાસ જોવા મળ્‍યો હતો અને ફિલ્‍મ રિલીઝનું પ્રમાણ વધ્‍યુ હતું. જાન્‍યુઆરીથી માર્ચ દરમિયાન કુલ ૧૩ હિન્‍દી ફિલ્‍મ રિલીઝ થઈ હતી, પરંતુ ‘છાવા'ને બાદ કરતાં અન્‍ય કોઈ ફિલ્‍મ હિટ રહી ન હોતી. ૧૩ ફિલ્‍મોમાં કુલ રૂ.૮૯૦ કરોડનું રોકાણ થયુ હતું, જ્‍યારે એકંદર કલેક્‍શન રૂ.૧૦૪૮ કરોડ રહ્યું હતું. ગત વર્ષે જાન્‍યુઆરીથી માર્ચ મહિના દરમિયાન હિન્‍દી ફિલ્‍મોનું બોક્‍સઓફિસ કલેક્‍શન રૂ.૯૪૩ કરોડ હતું. આમ, ૨૦૨૪ની સરખામણીએ આ વર્ષ હિન્‍દી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી માટે સફળ રહ્યું છે.

૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન ૧૩ ફિલ્‍મોએ કુલ રૂ.૧૦૩૪ કરોડનું કલેક્‍શન મેળવ્‍યું હતું અને તેમાં ૫૮ ટકા ફાળો માત્ર વિકી કૌશલની ‘છાવા'નો હતો. વીર છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત આ ફિલ્‍મ બ્‍લોકબસ્‍ટર સાબિત થઈ હતી અને તેણે એકલા હાથે રૂ.૬૧૩ કરોડની આવક મેળવી હતી. જ્‍યારે અન્‍ય ૧૨ ફિલ્‍મોને ભેગી કરીએ તો તેનું બોક્‍સઓફિસ કલેક્‍શન માત્ર ૪૩૫ કરોડ રહ્યુ હતું. 

‘છાવા'માં ૧૩૦ કરોડનું ઈન્‍વેસ્‍ટમેન્‍ટ થયુ હતું, જ્‍યારે અન્‍ય ૧૨ ફિલ્‍મોનું સંયુક્‍ત રોકાણ ૭૬૦ કરોડ હતું. જેની સામે આ ૧૨ ફિલ્‍મોએ ૪૩૫ કરોડની આવક મેળવી હતી. બોક્‍સઓફિસ પર આ ફિલ્‍મોને રૂ.૩૨૫ કરોડની ખોટ ગઈ હતી. બજેટ અને આવકની સરખામણીને જોતાં આ ૧૨ ફિલ્‍મોએ એકંદરે ૪૨ ટકાની ખોટ કરી હતી. ૨૦૨૫ના વર્ષમાં અત્‍યાર સુધીની વાત કરીએ તો માત્ર ‘છાવા' જ નફો કરી શકે છે. રૂ.૧૩૦ કરોડના બજેટ સામે રૂ.૬૧૩.૨૪ કરોડનું કલેક્‍શન મેળવી આ ફિલ્‍મે ૩૭૧.૩૫ ટકા નફો મેળવ્‍યો છે.  

હિન્‍દી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રી માટે ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં સૌથી વધારે ખોટ ‘આઝાદ'ની રહી હતી. અજય દેવગણના ભત્રીજા અમાન દેવગન અને રવિના ટંડનની દીકરી રાશા થાડાનીની ડેબ્‍યુ ફિલ્‍મ ‘આઝાદ'માં ૮૦ કરોડનો ખર્ચ થયો હતો. આ ફિલ્‍મને ૭.૬૧ કરોડના બોક્‍સઓફિસ પર ૯૦ ટકા જેટલું નુકસાન થયુ હતું. અન્‍ય ફિલ્‍મોની વાત કરીએ તો ફતેહને રૂ.૪૦ કરોડના બજેટ સામે રૂ.૧૮.૮૭ કરોડનું કલેક્‍શન મળ્‍યુ હતું. કંગના રણોતની બહુચર્ચિત ‘ઈમરજન્‍સી'માં ૬૦ કરોડનો ખર્ચ થયો હતો અને તેને ૨૦.૪૮ કરોડનું કલેક્‍શન મળ્‍યુ હતું. અક્ષય કુમારની ‘સ્‍કાય ફોર્સ'ને ૧૬૦ કરોડના બજેટ સામે રૂ.૧૩૪.૯૩ કરોડનું કલેક્‍શન મળ્‍યુ હતું. બોક્‍સઓફિસ પર ૧૦૦ કરોડથી વધુનો આંક પાર કરવા છતાં ‘સ્‍કાયફોર્સ' ખોટનો સોદો રહી હતી. શાહિદ કપૂરની ‘દેવા'ને ૫૦ કરોડના બજેટ સામે રૂ.૩૩.૯૭ કરોડનું કલેક્‍શન મળ્‍યુ હતું. ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરની ‘લવયપ્‍પા' માટે ૩૦ કરોડનો ખર્ચ થયો હતો અને તેને રૂ.૭.૬૯ કરોડનું કલેક્‍શન મળ્‍યુ હતું. હિમેશ રેશમિયાની ‘બેડએસ રવિકુમાર' ૨૦ કરોડમાં બની હતી અને રૂ.૧૩.૭૮ કરોડની આવક મેળવી હતી.

અર્જુન કપૂર-ભૂમિ પેડનેકરની ‘મેરે હસબન્‍ડ કી બીવી'માં રૂ.૬૦ કરોડનો ખર્ચ થયો હતો અને તેને માત્ર રૂ.૧૨.૨૫ કરોડનું કલેક્‍શન મળ્‍યુ હતું. ‘સુપરબોય્‍સ ઓફ માલેગાંવ' રૂ.૨૦ કરોડમાં બની હતી અને તેને માત્ર રૂ.૫.૦૫ કરોડ મળ્‍યા હતા. રૂ.૨૦ કરોડમાં બનેલી ‘ક્રેઝી'ને રૂ.૧૪.૦૩ કરોડ, જોન અબ્રાહમની ‘ધ ડિપ્‍લોમેટ'ને રૂ.૨૦ કરોડના ખર્ચ સામે રૂ.૩૮.૮૮ કરોડની આવક થઈ હતી. આમ ‘છાવા' ઉપરાંત માત્ર ‘ધ ડિપ્‍લોમેટ' બજેટ કરતાં વધુ આવક મેળવી શકી હતી. સલમાન ખાનની ‘સિકંદર' માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. રૂ.૨૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્‍મે અત્‍યાર સુધી ૧૨૮ કરોડનું કલેક્‍શન મેળવ્‍યું છે. આમ, કુલ ૮૯૦ કરોડના બજેટ સામે ૧૩ હિન્‍દી ફિલ્‍મોએ એકંદરે રૂ.૧૦૪૮.૩ કરોડની આવક મેળવી છે.(૪૦.૨)

(10:05 AM IST)