કંગના રનૌત બનશે હોલીવુડની ‘હોરર ક્વીન’, ‘બ્લેસ્ડ બી ધ એવિલ’થી કરશે ડેબ્યૂ

મુંબઇ : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કંગના રનૌતની કારકિર્દીમાં એક નવો વળાંક આવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની ઓળખ બનાવવા જઈ રહી છે. કંગના હોલીવુડમાં ડેબ્યૂ કરશે. તેને હોલીવુડ હોરર ડ્રામા ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધ એવિલ’ માં મુખ્ય ભૂમિકા મળી છે.આ ફિલ્મની વાર્તા એક ખ્રિસ્તી દંપતીના જીવનની આસપાસ ફરે છે જેમના બાળકનું જન્મ પહેલાં જ મૃત્યુ થાય છે. આ દુઃખ દૂર કરવા માટે, તેઓ એક ઉજ્જડ જૂના ફાર્મહાઉસમાં જાય છે, જે પહેલાથી જ કાળી અને રહસ્યમય ઘટનાઓ સાથે સંકળાયેલું છે. આ દંપતી ધીમે ધીમે દુષ્ટ આત્માઓ અને શૈતાની શક્તિઓની હાજરી અનુભવવા લાગે છે. આ ફિલ્મ પ્રોડક્શન હાઉસ લાયન્સમૂવીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. આમાં કંગના ‘ટીન વુલ્ફ’ સ્ટાર ટાયલર પોસી અને સ્કારલેટ સ્ટેલોન સાથે કામ કરશે.આ ફિલ્મનું શૂટિંગ ન્યૂયોર્કમાં શરૂ થવાનું છે. ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા ઉદ્યોગ ટેરિફને કારણે થતી કોઈપણ મુશ્કેલીઓ અથવા વિક્ષેપોને ટાળવા માટે યુ.એસ.માં શૂટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
