બળાત્કાર કેસમાં ફસાયેલા અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી : આગોતરા જામીન અરજી ફગાવી

મુંબઇ: ગંભીર બળાત્કારના કેસમાં આરોપી અભિનેતા એજાઝ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે મુંબઈની દિંડોશી સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એજાઝ ખાન વિરુદ્ધ મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.એક મહિલા અભિનેત્રીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણીએ આરોપ લગાવ્યો હતો કે અજાઝે લગ્નના બહાને તેની સાથે અનેક વખત બળાત્કાર કર્યો હતો અને નાણાકીય અને વ્યાવસાયિક મદદના ખોટા વચનો આપ્યા હતા.એજાઝ ખાને ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જોકે, પોલીસે આ અરજીનો વિરોધ કર્યો અને કોર્ટને કહ્યું કે જો તેમને જામીન આપવામાં આવશે તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. કોર્ટે પોલીસની દલીલ સાથે સંમતિ દર્શાવી અને કહ્યું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એજાઝ ખાનને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ કરવી જરૂરી છે.એવું માનવામાં આવે છે કે હવે એજાઝ ખાનની ધરપકડની શક્યતા વધી ગઈ છે અને પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો ત્યારે અભિનેતા એજાઝ ખાન ગુમ થઈ ગયો હતો. ચારકોપ પોલીસે એજાઝ ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.
