સેબીએ અરશદ વારસી : તેની પત્ની અને 57 અન્ય લોકો સામે કાર્યવાહી કરી : 5 વર્ષ માટે શેરબજારમાં કામકાજ પર મૂક્યો પ્રતિબંધ

મુંબઈ: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ બોલિવૂડ અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને 57 અન્ય લોકો પર 1 થી 5 વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ અરશદ અને તેની પત્ની મારિયા પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. હકીકતમાં, સેબીને જાણવા મળ્યું કે યુટ્યુબ ચેનલો પર ભ્રામક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં લોકોને સાધના બ્રોડકાસ્ટ નામની કંપનીના શેર ખરીદવાની સલાહ આપવામાં આવી હતી. આમાંથી અરશદે 41.70 લાખ રૂપિયા અને તેની પત્નીએ 50.35 લાખ રૂપિયાનો નફો કર્યો હતો.સેબીના અહેવાલ મુજબ, અરશદ વારસીએ 27 જૂન, 2023 ના રોજ સેબીને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે ફક્ત પોતાના નામે જ નહીં પરંતુ તેની પત્ની અને તેના ભાઈના ખાતામાંથી પણ વેપાર કરી રહ્યો હતો. આ ઉપરાંત, તેના મેનેજર આહુતિ મિસ્ત્રી, જે તેનું કામ સંભાળતા હતા, તે પણ આમાં સામેલ હતા.અરશદ અને તેમના પરિવાર ઉપરાંત, સેબીએ 57 અન્ય લોકો અને કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી છે. તેમને 5 લાખ રૂપિયાથી 5 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમાં સાધના બ્રોડકાસ્ટ (હવે ક્રિસ્ટલ બિઝનેસ સિસ્ટમ લિમિટેડ) ના પ્રમોટર્સનો પણ સમાવેશ થાય છે. સેબીએ તમામ ગુનેગારોને સરકારને લગભગ 58.01 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર નફો પરત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, તેમણે તે રકમ પર દર વર્ષે 12% વ્યાજ પણ ચૂકવવું પડશે.સેબીએ કહ્યું છે કે આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગૌરવ ગુપ્તા, રાકેશ કુમાર ગુપ્તા અને મનીષ મિશ્રા છે. સુભાષ અગ્રવાલ, જે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના RTA ના ડિરેક્ટર પણ હતા, મનીષ મિશ્રા અને કંપનીના પ્રમોટર્સ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરતા હતા.સેબીને કેટલાક લોકો તરફથી ફરિયાદો મળી હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કિંમતોમાં છેડછાડ કરીને SBL શેર વેચવામાં આવ્યા હતા. રોકાણકારોને લલચાવવા માટે YouTube પર ખોટા વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. આ વીડિયો શક્ય તેટલા લોકો સુધી પહોંચે તે માટે એક વિશાળ માર્કેટિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. ફરિયાદીએ YouTube ચેનલ અને વીડિયોની લિંક્સ SEBI ને પણ મોકલી હતી.
