સાંજે છ વાગ્યે ડિનર અને સાડાનવે લાઇટ બંધ
કરીના કપૂર કહે છે તેની લાઇફસ્ટાઇલમાં હવે મોટો ફેરફાર થયો છે

મુબ્ંઇ તા.૪: કરીના કપૂરની ગણતરી બોલીવુડની પ્રતિષ્ઠિત હિરોઇનોમાં થાય છે. હાલમાં કરીનાએ એક મેગેઝિન સાથેની વાતચીતમાં પોતાની નવી જીવનશૈલી, ફિલ્મોની પસંદગી અને પરિવારને પ્રાથમિકતા આપવા વિશે ખૂલીને વાત કરી. કરીનાએ ખુલાસો કર્યો કે તે હવે કામની ક્વોન્ટિટી કરતાં એની ક્વૉલિટી પર વધુ ધ્યાન આપે છે અને યંગ એક્ટર્સની જેમ રોલની પાછળ નથી દોડતી કારણ કે તે રોલની પાછળ દોડવાના તબક્કામાંથી બહાર નીકળી ગઈ છે.
આ ઇન્ટરવ્યુમાં કરીનાએ મમ્મી બન્યા પછી તેની જીવનશૈલીમાં આવેલા ફેરફાર વિશે વાત કરતાં કહ્યું, ‘મમ્મી બન્યા પછી મારી લાઇફસ્ટાઇલમાં મોટો ફેરફાર આવ્યો છે અને લેટ નાઇટ આઉટિંગ કે પછી લેટ નાઇટ પાર્ટી સાવ બંધ છે. હું સાંજે ૬ વાગ્યે ડિનર કરીને રાત્રે ૯.૩૦ વાગ્યે લાઇટ બંધ કરીને સૂવા જતી રહું છું જેથી સવારે વહેલી ઊઠીને વર્કઆઉટ કરી શકું અને થોડો સમય એકાંતમાં ગાળી શકું. મારા મિત્રોને ખબર છે કે મારી પાસે પાર્ટીઓમાં ન આવવાનું મજબૂત કારણ છે અને તેઓ એનું સન્માન કરે છે. '
તૈમુર અને જેહની મમ્મી બન્યા પછી પરિવાર સાથે સમય પસાર કરવો એ મારી પ્રાથમિકતા છે એમ જણાવતાં કરીના કહે છે, ‘મને મારા પરિવાર સાથે મળીને રસોઈ કરવી ગમે છે. સૈફને જમવામાં ઇડિયપ્પમ અને નારિયેળ-બેઝડ સ્ટયુ જેવી વાનગીઓ ભાવે છે, જ્યારે મને દિવસમાં એક વખત બેઝિક ભારતીય ભોજન લીધા વગર ચાલતું નથી. અમે સાથે મળીને આ રસોઈ બનાવીએ છીએ.