dasdasd
News of Friday, 20th June 2025

કરિશ્‍મા પરિવાર સાથે પહોંચીઃ સંતાનોને સાંત્‍વના આપી

બિઝનેસમેન સંજય કપૂરના કરાયા અંતિમ સંસ્‍કાર

નવી દિલ્‍હી,તા.૨૦: ૧૨ જૂનના રોજ કરિશ્‍મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું લંડન ખાતે અવસાન થયું હતું. સાત દિવસ બાદ સંજય કપૂરનો મળતદેહ દિલ્‍હી ખાતે લાવીને તેનો અંતિમસંસ્‍કાર કરવામાં આવ્‍યો હતો. સંજય કપૂરના અંતિમસંસ્‍કારમાં કરિશ્‍મા કપૂર અને બે સંતાનો તથા તેના પરિવારના સભ્‍યો તથા ફિલ્‍મજગતના અભિનેતા-અભિનેત્રીઓ જોડાયા હતા. સંજય કપૂરના અંતિમસંસ્‍કારના ફોટો તથા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્‍યો છે.

દિલ્‍હીના ઇલેક્‍ટ્રોનિક સ્‍મશાન ખાતે સંજય કપૂરનો અંતિમસંસ્‍કાર કરવામાં આવ્‍યો હતો. સંજય કપૂરના દીકરા કિયાન કપૂરે પોતાના પિતાના અંતિમ સંસ્‍કારની વિઘિઓ કરી હતી. જોકે અંતિમસંસ્‍કાર વખતે કિયાન કપૂર ચોધાર આંખે રડી રહ્યો હતો. દીકરી સમાયરા પણ શોકાતૂર હતી. ત્‍યારે કરિશ્‍મા કપૂરે પોતાના સંતાનોને સાંત્‍વના આપી હતી. કરીના કપૂરે પણ ભત્રીજા-ભત્રીજીને આ કપરા સમયમાં સાંત્‍વના આપી હતી. સંજય કપૂરના અંતિમસંસ્‍કારમાં રણવીર કપૂર, સૈફઅલી ખાન સહિતના કપૂર પરિવારના અગ્રણીઓ તથા બોલિવૂડના અન્‍ય કલાકારો જોવા મળ્‍યા હતા.

પોતાની પહેલી પત્‍ની નંદિતા મહતાની સાથે છૂટાછેડા કર્યા બાદ ૨૦૦૩માં સંજય કપૂરે કરિશ્‍મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેઓને એક દીકરી અને એક દીકરો એમ બે સંતાનો પણ થયા હતા. જોકે ૧૩ વર્ષના લગ્નજીવન બાદ તેમણે ૨૦૧૬માં છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ કરિશ્‍મા કપૂરને બંને બાળકોની કસ્‍ટડી સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સંજય કપૂર જાણીતા બિઝનેસમેન હતા. તેઓ સોના કોમસ્‍ટાર કંપનીના સીઈઓ હતા. તેઓનું બિઝનેસ મોડલ ઇલેક્‍ટ્રિક વાહન, પાવરટ્રેન અને ગિયર સિસ્‍ટમ જેવી એડવાન્‍સ ઓટોમોટિવ ટેક્રોલોજી પર આધારિત હતું. તેઓ એસીએમએના પૂર્વ અધ્‍યક્ષ પણ રહી ચૂકયા હતા. આ સિવાય તેઓ ધ ડૂન સ્‍કૂલના ટ્રસ્‍ટી પણ હતા.

(10:13 AM IST)